મારુતિ સુઝુકી ઉડતી કાર બનાવશે, ઘરના ધાબેથી જ ટેકઓફ અને લેન્ડિંગ શક્ય બનશે
- મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક એર કોપ્ટરનું નામ સ્કાયડ્રાઈવ હશે, મોટર્સ અને રોટર્સના 12 એકમોથી સજ્જ, સ્કાઈ ડ્રાઈવ જાપાનમાં 2025 ઓસાકા એક્સ્પોમાં પ્રદર્શિત થશે
અમદાવાદ : ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી હવે હવામાં ચાલતી કહો કે ઉડતી કહો, એવા પ્રકારની નવીનતમ કાર બનાવવાનું વિચારી રહી છે. મારુતિ તેની જાપાનીઝ પેરન્ટ કંપની સુઝુકીની મદદથી ઇલેક્ટ્રિક એર કોપ્ટર ડેવલપ કરવાની યોજના બનાવી રહી છે.
અહેવાલ અનુસાર ઈલેક્ટ્રિક એર કોપ્ટર ડ્રોન કરતા મોટા હશે પરંતુ પરંપરાગત હેલિકોપ્ટર કરતા નાના હશે, જેમાં પાઈલટ સહિત ઓછામાં ઓછા ત્રણ મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. મોબિલિટી સોલ્યુશન્સમાં પ્રારંભિક લીડ લેવાના હેતુસર આ દિશામાં આગળ વધી રહી છે અને કંપની ભારતમાં આ પ્રકારની સર્વિસ શરૂ કરતા પહેલા જાપાન અને યુએસમાં ગ્રાહકો બનાવશે. ગ્રાઉન્ડ બેઝ્ડ ઉબેર અને ઓલા કારની જેમ આ એર ટેક્સીઓ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટો ફેરફાર લાવી શકે છે.
આ મેગા પ્લાનમાં મારુતિ ભારતને એક ગ્રાહક બજાર તરીકે જ નથી જોઈ રહી પરંતુ તેઓ ઉત્પાદન ખર્ચ ઘટાડવાના હેતુસર ભારતમાં ઉત્પાદન કરવાનું પણ વિચારી રહી છે. સુઝુકી મોટર (ઓટોમોબાઈલ પ્રોડક્ટ પ્લાનિંગ ગ્રૂપ)ના વૈશ્વિક ઓટોમોબાઈલ પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ મેનેજર કેન્ટો ઓગુરાએ જણાવ્યું કે કંપની એવિએશન રેગ્યુલેટર ડીજીસીએસ સાથે આ સંદર્ભે વાતચીત કરી રહી છે અને પ્લાનને હકીકત બનાવવા માટે રિસર્ચ હાથ ધરશે.
મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક એર કોપ્ટરનું નામ સ્કાયડ્રાઈવ હશે. મોટર્સ અને રોટર્સના ૧૨ એકમોથી સજ્જ, સ્કાઈ ડ્રાઈવ જાપાનમાં ૨૦૨૫ ઓસાકા એક્સ્પોમાં પ્રદર્શિત થવાની અપેક્ષા છે. શરૂઆતમાં ટાર્ગેટ માર્કેટ જાપાન અને અમેરિકા હશે પરંતુ મારુતિ 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ આ ટેક્નોલોજી ભારતમાં લાવવાની યોજના ધરાવે છે.