બજેટથી રોકાણકારો નિરાશામાં, LTCG અને STCG, STTમાં વધારો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
બજેટથી રોકાણકારો નિરાશામાં, LTCG અને STCG, STTમાં વધારો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું 1 - image


Budget 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણે શેરબજારની અપેક્ષાની વિરૂદ્ધમાં બજેટ જાહેર કરતાં સેન્સેક્સ 1277.76 પોઈન્ટ તૂટી 80000નું લેવલ તોડી 79224.32 પરના તળિયે પહોંચ્યો હતો. નિફ્ટી પણ માંડ માંડ 24000નું લેવલ જાળવવામાં સફળ રહ્યો છે. શેરબજારમાં કડાકા પાછળનું કારણ લોંગ ટર્મ કેપિટલ ગેઈન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન, અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો છે.

શેરબજારના રોકાણકારોને જેનો ભય હતો તે જ દિશામાં કામગીરી કરતાં નાણા મંત્રીએ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકાથી વધારી 12.5 ટકા, જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 15 ટકાથી વધારી 20 ટકા કર્યો છે.

શોર્ટ ટર્મ ગેઈન ટેક્સ વધારો અમુક ચોક્કસ એસેટ્સ પર જ લાગુ

નિર્મલા સીતારમણે શોર્ટ ટર્મ ગેઈન ટેક્સ અમુક ચોક્કસ ફાઈનાન્સિયલ એસેટ્સ પર જ વધાર્યો છે. જ્યારે અન્ય તમામ ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ એસેટ્સ પર જૂનો 15 ટકાનો દર લાગુ થશે. બીજી બાજુ તમામ ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ એસેટ્સ પર લોંગ ટર્મ ગેઈન વધારી 12.5 ટકા કર્યો છે. જે 10 ટકા હતો. વધુમાં ડેરિવેટિવ્ઝ પર એસટીટી 0.02 ટકા કરવામાં આવ્યો છે.

ઈન્કમ ટેક્સ અંગે બે મોટી જાહેરાતઃ નવા ટેક્સ રેજિમમાં ત્રણ લાખ સુધી ટેક્સ નહીં, સ્ટાન્ડર્ડ ડિડક્શન 75 હજાર કરાયું

એફએન્ડઓ પર સીતારમણે નિવેદન આપ્યું હતું કે, એફએન્ડઓમાં વધતા રોકાણ સાથે સટ્ટાકીય પ્રવૃત્તિઓનું પ્રમાણ વધ્યું છે. જે શેરબજાર માટે યોગ્ય નથી. જેની નોંધ લેતાં એફએન્ડઓ પર સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ 0.02 ટકા અને 0.1 ટકા કરવાનો પ્રસ્તાવ છે. વધુમાં શેર્સના બાયબેક પર થતી કમાણી પર પણ ટેક્સ લાગુ કરવામાં આવશે.

હાલ, દેશમાં કેપિટલ ગેઈન ટેક્સ એસેટના પ્રકાર અને તેના હોલ્ડિંગના સમયગાળા પર આધારિત છે. ઈક્વિટી માટે 1 લાખથી વધુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર 10 ટકા ટેક્સ લાગુ છે, જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન હેઠળ 15 ટકા ટેક્સ લાગુ થાય છે. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ઓપ્શન્સના વેચાણ પર 0.0625 ટકા એસટીટી લાગુ થાય છે. જેની ચૂકવણી વેચાણકર્તા કરે છે. ફ્યુચર્સના વેચાણ પર સેલર દ્વારા 0.0125 ટકા ટેક્સ ચૂકવવામાં આવે છે. 

કેન્દ્રીય બજેટ 2024 ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે, આઈએફએસસી માટે ઘણાં નોંધપાત્ર વિકાસ પ્રસ્તૃત કરે છે. રિટેલ ફંડ્સ અને ઈટીએફ માટે ટેક્સ-કાર્યક્ષમ પ્રણાલીની જાહેરાત ગિફ્ટ સિટીમાં એસેટ મેજમેન્ટ કંપનીઓ માટે નવી પ્રોફેશનલ તકોનું સર્જન કરશે. આ પહેલથી ભારતમાં એનઆરઆઈ અને વિદેશી રિટેલ રોકાણકારોનું રોકાણ આકર્ષિત થવાની આશા છે. અમે ગિફ્ટ સિટીને ખરા અર્થમાં વાઈબ્રન્ટ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર બનવામાં નિરંતર સહયોગ પ્રદાન કર્યો છે.


  બજેટથી રોકાણકારો નિરાશામાં, LTCG અને STCG, STTમાં વધારો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું ગાબડું 2 - image


Google NewsGoogle News