નવેમ્બરના અંતે ફોરેન ફંડોના નિફટીના તોફાનમાં અનેક ટ્રેડરો અટવાયા
- આઈટી શેરોમાં હેમરીંગ કરી કડાકો બોલાવાયો: એવું તે શું નેગેટિવ કારણ આવી ગયું કે બજારમાં આટલો કડાકો બોલાઈ ગયો?
- ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંતે નિફટીમાં કડાકો બોલાવવા ફંડો,આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોને સોફ્ટ ટાર્ગેટ કરીને હેમરીંગ કર્યા સાથે મોટી શોર્ટ પોઝિશન બનાવ્યાની ચર્ચા હતી
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ના આજે નવેમ્બર વલણના અંતે નિફટીમાં શોર્ટ અને કવરિંગના અસાધારણ તોફાનમાં ટ્રેડરો, ખેલંદાઓ અટવાઈ ગયા હતા. અનેક ખેલાડીઓ, ઈન્વેસ્ટરોની સમજ બહાર થયેલા તોફાનથી લોકો એકબીજાને પૂછવા લાગ્યા હતા, કે એવું તે શું નેગેટીવ કારણ આવી ગયું કે બજારમાં આટલો કડાકો બોલાઈ ગયો. વૈશ્વિક મોરચે એક તરફ ઈઝરાયેલ દ્વારા લેબનોન સાથે યુદ્વ વિરામ કર્યા છતાં હજુ આ મામલે સાવચેતી અને બીજી તરફ યુક્રેનના એનજીૅ ક્ષેત્રને મોટાપાયે ટાર્ગેટ કરવામાં આવ્યાના અહેવાલો અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા બાબતે ફરી અનિશ્ચિતતાના અહેવાલે છતાં વૈશ્વિક બજારોમાં એકંદર સાધારણ ઘટાડા સામે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોની આજે ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ફરી મોટી શોર્ટ પોઝિશન બનાવ્યાની ચર્ચા વચ્ચે કડાકો બોલાઈ ગયો હતો.
ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંતે આજે નિફટીમાં કડાકો બોલાવવા ફંડો, મહારથીઓએ આજે ખાસ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ફ્રન્ટલાઈન શેરોને સોફ્ટ ટાર્ગેટ કરીને હેમરીંગ કર્યા સાથે મોટી શોર્ટ પોઝિશન બનાવ્યાની ચર્ચા હતી. જેના પરિણામે નિફટી, સેન્સેક્સમાં ધબડકો બોલાયા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી જળવાઈ રહી હતી. આઈટી શેરો સાથે ઓટોમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર શેરોમાં ફંડોએ વેચવાલી કરતાં સેન્સેક્સ ૮૦૪૪૭.૪૦ના વધ્યામથાળેથી પાછો ફરીને અંતે ૧૧૯૦.૩૪ પોઈન્ટ તૂટીને ૭૯૦૪૩.૭૪ અને નિફટી સ્પોટ ૨૪૩૪૫.૭૫ના વધ્યામથાળેથી પાછો ફરીને અંતે ૩૬૦.૭૫ પોઈન્ટ ગબડીને ૨૩૯૧૪.૧૫ બંધ રહ્યા હતા.