પ્રથમ ત્રિમાસિકમાં ઉત્પાદન ક્ષેત્રના સેન્ટિમેન્ટસમાં નોંધાયેલો સુધારો

- મૂડીની ખેંચ સહિતના પડકારોનો સામનો કરતી કંપનીઓ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
પ્રથમ ત્રિમાસિકમાં ઉત્પાદન ક્ષેત્રના સેન્ટિમેન્ટસમાં નોંધાયેલો સુધારો 1 - image


મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં  દેશમાં ઉત્પાદન ક્ષેત્રના સેન્ટિમેન્ટસમાં સુધારો જોવા મળ્યો હોવાનું ફિક્કી દ્વારા હાથ ધરાયેલા ત્રિમાસિક સર્વેમાં જણાવાયું છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં   સર્વમાં ભાગ લેનારામાંથી ૫૭ ટકાએ  ઉત્પાદનમાં વધારો કર્યો હોવાનું જણાવ્યું હતું જ્યારે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં આ આંક ૭૮ ટકા રહ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ઘરેલું માગની સ્થિતિ પણ આશાવાદી રહી હતી જે ઓર્ડર બુકસ પરથી જાણી શકાય એમ છે.

સર્વેમાં ભાગ લેનારામાંથી ૬૭ ટકા ઓર્ડરની સંખ્યા ઊંચી રહેવાની અપેક્ષા ધરાવતા હતા. આઠ મુખ્ય ક્ષેત્રોના ઉત્પાદન એકમોના સંચાલકોને સર્વેમાં આવરી લેવાયા હતા. 

આ આઠ ક્ષેત્રોમાં ઓટોમોટિવ એન્ડ ઓટો કમ્પોનેન્ટસ, કેપિટલ ગુડસ અને મસીન ટુલ્સ, સિમેન્ટ, કેમિકલ્સ, ફર્ટિલાઈઝર અને ફાર્મા, ઈલેકટ્રોનિકસ અને ઈલેકટ્રીકલ્સ, મેટલ તથા ટેકસટાઈલનો સમાવેશ થાય છે. 

મોટા તથા એસએમઈ ઉત્પાદન એકમોમાંથી આ માહિતી એકત્રિત કરાઈ હતી. ઉત્પાદન ક્ષેત્રમાં હાલમાં ક્ષમતા ઉપયોગીતાનું સ્તર ૭૫ ટકા છે, જે આર્થિક પ્રવૃત્તિમાં સ્થિરતા હોવાના સંકેત આપે છે.  ઈન્વેસ્ટમેન્ટસ આઉટલુક પણ પોઝિટિવ છે. સર્વેમાં ભાગ લેનારામાંથી ૪૧ ટકા આગામી છ મહિનામાં ઈન્વેસ્ટમેન્ટસ તથા વિસ્તરણની યોજના ધરાવે છે. 

જો કે કેટલાક ઉત્પાદકોએ ઊંચા વ્યાજ દરને કારણે વર્કિંગ કેપિટલની  ખેંચ, ગ્રાહકો દ્વારા પેમેન્ટસમાં ઢીલ, સ્કીલ્ડ લેબર મેળવવામાં મુશકેલી  તથા સસ્તી આયાતો જેવા પડકારોનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. લોજિસ્ટિકસ સમશ્યાઓ પણ વિસ્તરણ પ્રયાસોને મર્યાદિત બનાવે છે. કર્મચારીઓની ભરતીનું આઉટલુક પોઝિટિવ જણાયું હતું. 


Google NewsGoogle News