ઉત્પાદન ક્ષેત્રનો PMI જાન્યુઆરીમાં છ મહિનાની ઊંચી સપાટી સાથે 57.70 રહ્યો
- મજબૂત ઘરેલુ તથા નિકાસ માગને પગલે ઉત્પાદન પ્રવૃતિઓ વધી
મુંબઈ : નિકાસ મોરચે સારી કામગીરીના ટેકા સાથે ૨૦૨૫ના પ્રારંભિક મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પર્વૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં એક વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ દેશનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) જાન્યુઆરીમાં વધી છ મહિનાની ટોચે રહ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલા અને એચએસબીસી દ્વારા જારી કરાયેલો ઉત્પાદન ક્ષેત્રનો જાન્યુઆરીનો પીએમઆઈ ૫૭.૭૦ રહ્યો છે જે ડિસેમ્બરમાં ૫૬.૪૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે.
ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓના નિકાસ ઓર્ડર ગયા મહિને વધી ૧૪ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. ઘરઆંગણેથી પણ ઓર્ડરની માત્રા ગયા વર્ષના જુલાઈ બાદ ઊંચી જોવા મળી છે, એમ જારી કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું.
ખર્ચ દબાણ ઘટયું હતું પરંતુ જોરદાર માગને કારણે વેચાણ કિંમતમાં મજબૂત વૃદ્ધિ રહી હતી. જાન્યુઆરીમાં વેપાર વિશ્વાસ પણ ઊંચકાયો હતો અને ઉપભોગતા દ્વારા ખરીદીના સ્તરમાં તથા રોજગાર નિર્માણમાં પણ વધારો જોવાય છે.ઘરઆંગણે તથા આંતરરાષ્ટ્રીય સ્તરેથી મજબૂત માગને કારણે નવા ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.
નિકાસ ઓર્ડરમાં લગભગ છેલ્લા ૧૪ વર્ષનો શ્રેષ્ઠ વધારો જોવા મળ્યો છે. રોજગાર નિર્માણમાં પણ વિક્રમી વધારો થયો છે. રોજગારમાં વીસ વર્ષનો સૌથી વધુ વધારો જોવાયો છે. જાન્યુઆરીમાં સતત બીજા મહિને કાચા માલનો ફુગાવો નરમ પડયો હતો.
માગમાં મજબૂતાઈ, પોઝિટિવ આર્થિક સ્થિતિ તથા માર્કેટિંગ પ્રયાસો વિકાસ ભાવિ માટે સાનુકૂળ વાતાવરણના સંકેત આપે છે. વેપાર આશાવાદને લઈને ઉત્પાદકો દ્વારા કાચા માલની ખરીદીમાં પણ ઝડપ જોવા મળી હતી.