ફેબુ્રઆરીમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધીને પાંચ મહિનાની ટોચે
- ફુગાવાજન્ય દબાણ ઘટતા કંપનીઓના માર્જિન વધવા અપેક્ષા: નિકાસ મોરચે સાનુકૂળ ચિત્ર
મુંબઈ : સમાપ્ત થયેલા ફેબુ્રઆરીમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહી હતી. ઓર્ડરમાં વધારાને પરિણામે દેશનો ઉત્પાદન ક્ષેત્રનો એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) ૫૬.૯૦ સાથે પાંચ મહિનાની ટોચે રહ્યો છે. ગયા વર્ષના સપ્ટેમ્બર બાદ સૌથી ઊંચો આંક જોવાયો છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીનો પીએમઆઈ ૫૬.૫૦ રહ્યો હતો.
ફુગાવાજન્ય દબાણમાં ઘટાડો તથા વિદેશમાંથી માગ નીકળતા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો હોવાનું એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે.ફેબુ્રઆરીમાં સતત ૩૨માં મહિને પીએમઆઈ ૫૦ની ઉપર રહેવા પામ્યો છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા ઘણો વધુ રહીને ૮.૪૦ ટકા આવ્યો છે. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં સતત સુધારાને કારણે જીડીપી આંક મજબૂત જોવા મળી રહ્યો છે.ભારતના જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૧૭ ટકા જેટલો છે. ઘરઆંગણે તથા વિદેશમાંથી મજબૂત માગને પરિણામે ઉત્પાદન ક્ષેત્રમાં મજબૂતાઈ જોવા મળી રહી છે, એમ એચએસબીસી ખાતેના અર્થશાસ્ત્રીએ નોંધ્યું હતું.
કાચા માલના ખર્ચ ઘટી જુલાઈ ૨૦૨૦ની નીચી સપાટીએ પહોંચી જતા ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓનું માર્જિન વધી રહ્યાનું જણાય છે. વૈશ્વિક માગ પણ વધીને બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયાનું રિપોર્ટમાં દાવો કરાયો છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ચીન, અમેરિકા તથા યુએઈ જેવા દેશો ખાતેથી માગ વધી રહી છે.
ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારા પ્રમાણે કર્મચારીઓની ભરતીમાં વધારો જોવા મળતો નથી. સર્વેમાં ભાગ લેનારી મોટાભાગની કંપનીઓએ સ્ટાફની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોવાનું જણાવ્યું હતું એેમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ફુગાવાજન્ય દબાણ હળવું થતાં કંપનીઓએ પણ કાચા માલનો સ્ટોકસ ઊભો કરવાનું મુનાસીબ માન્યું છે.