નવા ઓર્ડરમાં વધારો થતા માર્ચમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ 16 વર્ષની ટોચે પહોંચી
- માર્ચનો મેન્યુ. પીએમઆઈ વધીને ૫૯.૧૦
- ફેકટરીઓ ખાતે કામકાજમાં વધારો થતા કર્મચારીઓની સંખ્યા પણ વધારાઈ:
મુંબઈ : ઉત્પાદન ક્ષેત્રમાં નાણાં વર્ષ ૨૦૨૪ની સમાપ્તિ પ્રોત્સાહક નોંધ સાથે થઈ છે. સમાપ્ત થયેલા માર્ચમાં ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) વધીને ૫૯.૧૦ સાથે ૧૬ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો છે. નવા ઓર્ડરોમાં વધારાને પરિણામે ઉત્પાદન કામકાજ વધતા કંપનીઓએ કર્મચારીઓની સંખ્યા પણ વધારવી પડી હતી.
એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પીએમઆઈ જે ફેબુ્રઆરીમાં ૫૬.૯૦ હતો તે માર્ચમાં ૫૯.૧૦ સાથે ૧૬ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો છે. ૨૦૦૮ બાદ આ સૌથી ઊંચો આંક છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
માર્ચમાં સતત ૩૩માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહેવા પામ્યો છે. ઉપભોગ, ઈન્ટરમીડિયેટ તથા ઈન્વેસ્ટમેન્ટ ગુડસ ક્ષેત્રમાં માગ વધતા ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો હોવાનું એચએસબીસી દ્વારા તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.
નવા ઓર્ડરની માત્રા પણ ૨૦૨૦ના ઓકટોબર બાદ સૌથી ઊંચી રહી છે. વેચાણ વધવાની અપેક્ષાએ તથા નાણાં વર્ષ ૨૦૨૩-૨૪નો અંતિમ મહિનો હોવાથી કંપનીઓએ સ્ટોકસ ઊભો કરવાની પણ ગણતરી રાખી હતી.
કાચા માલની ખરીદીને જ્યાંસુધી સંબંધ છે ત્યાંસુધી કેપિટલ ગુડસને લગતા માલની ખરીદી ઊંચી રહી હતી. જો કે સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાં ફુગાવાને લગતી ચિંતા ચાલુ રહી હતી.
ખર્ચનું દબાણ પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહ્યું હતું. કપાસ, આયર્ન, મસીનરી ટુલ્સ, પ્લાસ્ટિકસ તથા સ્ટીલ માટે કંપનીઓએ વધુ રકમની ચૂકવણી કરી છે.
મજબૂત ઓર્ડરને પગલે ઉત્પાદન વધારવાનું રહેતું હોવાથી કંપનીઓએ કર્મચારીઓની ભરતીમાં પણ વધારો કરવાની ફરજ પડી હતી. જોરદાર માગને કારણે કાચા માલના ખર્ચમાં વધારો થયો હતો. કર્મચારીઓની ભરતી સપ્ટેમ્બર, ૨૦૨૩ બાદ સૌથી સારી રહી છે.