'મંગળ' રોકાણકારો માટે 'અમંગળ' બન્યો : શેરોમાં રેકોર્ડ ધબડકો
- સેન્સેક્સ ૪૩૯૦ પોઈન્ટ તૂટીને ૭૨૦૭૯: નિફટી ૧૩૭૯ પોઈન્ટ ગબડીને ૨૧૮૮૪ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૮૯૨ પોઈન્ટ તૂટયો
- ફંડોની આજે ખરાબ બજારે પણ એફએમસીજી શેરોમાં પસંદગીની લેવાલી : રોકાણકારોની સંપતિમાં જંગી ધોવાણ
મુંબઈ : ભારતીય શેર બજારોમાં આજે મંગળવાર રોકાણકારો માટે અમંગળ નીવડયો હતો. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના શનિવારના અનુમાન ભાજપ-એનડીએને સ્પષ્ટ જંગી બહુમતીના બતાવાતાં ગઈકાલે સોમવારે શેરોમાં અભૂતપૂર્વ વિક્રમી તેજી જોવાયા બાદ અનુમાનો આજે ખોટા પડતાં અને ભાજપને સ્પષ્ટ એકલે હાથે સરકાર રચવાનો પણ બહુમત નહીં મળતાં અને કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા એલાયન્સનું પરફોર્મન્સ સારૂ રહેતાં ખિચડી સરકાર રચાવાના ભયે રોકાણકારોને વિશ્વાસ ડગમગી ગયો હતો. જેના પરિણામે શેરોમાં આજે સાર્વત્રિક ઐતિહાસિક કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડે ૬૨૩૪.૩૫ પોઈન્ટ અને નિફટીમાં ૧૯૮૨.૪૫ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ નીચામાં ૭૦૨૩૪.૪૩ સુધી આવી ગયા બાદ અંતે ૪૩૮૯.૭૩ પોઈન્ટ તૂટીને ૭૨૦૭૯.૦૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૧૨૮૧.૪૫ સુધી ખાબકી અંતે ૧૩૭૯.૪૦ પોઈન્ટ ગબડીને ૨૧૮૮૪.૫૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાકડાકા
પાવર, કેપિટલ ગુડઝ શેરોમાં પાછલા દિવસોમાં જેટ સ્પિડે તેજી જોવાયા બાદ આ સેકટરના શેરોમાં આજે સૌથી મોટો કડાકો બોલાઈ ગયો હતો. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૮૯૨.૯૬ પોઈન્ટ તૂટીને ૬૪૮૨૯.૩૧ બંધ રહ્યો હતો. ભેલ રૂ.૬૫.૨૦ તૂટીને રૂ.૨૪૬.૧૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૬૩.૧૦ તૂટીને રૂ.૨૫૫.૫૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૩૬.૪૦ તૂટીને રૂ.૪૩૩૭.૩૦, જીએમઆર ઈન્ફ્રા રૂ.૧૧.૮૬ તૂટીને રૂ.૭૬.૪૨, રેલ વિકાસ નિગમ રૂ.૫૨.૯૫ તૂટીને રૂ.૩૫૧.૫૫, કલ્પતરૂ પાવર રૂ.૧૫૯.૫૫ તૂટીને રૂ.૧૦૬૩.૩૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૯૪.૫૫ તૂટીને રૂ.૩૪૦૨.૮૫, સિમેન્સ રૂ.૯૦૫.૭૦ તૂટીને રૂ.૬૩૭૨.૨૫, એબીબી ઈન્ડિયા રૂ.૧૦૫૫.૮૫ તૂટીને રૂ.૭૬૬૮.૮૫, ભારત ફોર્જ રૂ.૧૪૮.૯૫ તૂટીને રૂ.૧૪૫૭.૯૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૧૦૯૩.૭૫ તૂટીને રૂ.૧૫,૦૪૮ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં ગાબડાં
બેંકિંગ શેરોમાં આજે અસાધારણ મોટા ગાબડાં પડયા હતા. બેંક ઓફ બરોડા રૂ.૪૮.૪૦ તૂટીને રૂ.૨૪૮.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૩૦.૬૦ તૂટીને રૂ.૭૭૫.૨૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૩૭.૨૦ તૂટીને રૂ.૧૩૯૨.૭૫, એક્સિસ બેંક રૂ.૯૨.૨૫ તૂટીને રૂ.૧૧૩૧.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮૭.૧૦ તૂટીને રૂ.૧૦૭૩.૨૦, એચડીએફસી બેંક રૂ.૮૯.૩૫ તૂટીને રૂ.૧૪૮૨.૭૫, કોટક બેંક રૂ.૮૦.૪૫ તૂટીને રૂ.૧૬૩૮.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૭૧૩.૩૯ પોઈન્ટ તૂટીને ૫૩૫૭૭.૦૮ બંધ રહ્યો હતો.
રિલાયન્સ રૂ.૨૨૭ તૂટીને રૂ.૨૭૯૪
તેજીના વળતાં પાણી થઈ આજે ઓઈલ-ગેસ શેરોમાં મોટા ગાબડાં પડયા હતા. ઓએનજીસી રૂ.૪૭.૫૫ તૂટીને રૂ.૨૩૬.૫૦, અદાણી ટોટલ ગેસ રૂ.૨૧૧.૪૦ તૂટીને રૂ.૯૦૮.૪૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૩૯.૯૫ તૂટીને રૂ.૧૯૦.૭૦, એચપીસીએલ રૂ.૮૮.૪૦ તૂટીને રૂ.૪૯૪.૬૦, બીપીસીએલ રૂ.૮૬.૧૦ તૂટીને રૂ.૫૮૦.૨૫, આઈઓસી રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૧૫૪.૪૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨૭.૬૫ તૂટીને રૂ.૨૭૯૩.૬૦, લિન્ડે ઈન્ડિયા રૂ.૫૮૧.૩૫ તૂટીને રૂ.૮૩૩૭ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૦૨૧.૫૭ પોઈન્ટ ગબડીને ૨૬૭૪૩.૮૭ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૧૭૭૬ તૂટયો
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ધૂમ વેચવાલી નીકળતાં ગાબડાં પડયા હતા. કયુમિન્સ ઈન્ડિયા રૂ.૪૭૨.૩૦ તૂટીને રૂ.૩૨૪૧.૫૦, અશોક લેલેન્ડ રૂ.૨૮.૫૫ તૂટીને રૂ.૨૦૭.૮૫, અપોલો ટાયર્સ રૂ.૨૫.૩૫ તૂટીને રૂ.૪૫૧.૨૫, ટાટા મોટર્સ રૂ.૪૬.૩૫ તૂટીને રૂ.૯૦૪.૧૫, એમઆરએફ રૂ.૪૭૩૮.૬૦ તૂટીને રૂ.૧,૨૨,૨૧૨.૨૦, બોશ રૂ.૮૬૯.૦૫ તૂટીને રૂ.૨૯,૧૦૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૦.૭૦ ઘટીને રૂ.૨૫૭૫.૪૫, મારૂતી સુઝુકી રૂ.૨૬૩.૨૫ તૂટીને રૂ.૧૨,૨૦૯.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૭૭૬.૮૯ પોઈન્ટ તૂટીને ૫૨૬૩૩.૬૯ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સમાં ૩૨૫૬ પોઈન્ટનું ગાબડું
મેટલ-માઈનીંગ શેરોમાં પણ આજે ઓવરબોટ પોઝિશન મોટાપાયે માર્જિન કોલે ખંખેરાઈ હતી. સેઈલ રૂ.૩૩ તૂટીને રૂ.૧૩૩.૨૦, કોલ ઈન્ડિયા રૂ.૭૦.૧૦ તૂટીને રૂ.૪૪૧.૯૫, એનએમડીસી રૂ.૨૯.૮૦ તૂટીને રૂ.૨૩૭.૯૫, જિન્દાલ ્સ્ટીલ રૂ.૯૬.૧૫ તૂટીને રૂ.૯૬૧, ટાટા સ્ટીલ રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૧૫૮.૮૦, વેદાન્તા રૂ.૪૦ તૂટીને રૂ.૪૧૭.૩૫, હિન્દાલ્કો રૂ.૪૬.૯૦ તૂટીને રૂ.૯૪૯, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪૫.૧૫ તૂટીને રૂ.૭૫૭.૬૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫૯.૬૫ તૂટીને રૂ.૮૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૨૫૬.૧૬ પોઈન્ટ તૂટીને ૩૦૪૮૫.૨૦ બંધ રહ્યો હતો.
માત્ર એફએમસીજી શેરોમાં આકર્ષણ
ફંડોની આજે ખરાબ બજારે એફએમસીજી શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના તેલગુ દેશમ પક્ષનો વિજય થતાં અને લોકસભા ચૂંટણીમાં પણ વિજયે આજે હેરીટેજ ફૂડ્સ રૂ.૨૯.૪૫ વધીને રૂ.૪૫૫.૮૦ રહ્યો હતો. એફએમસીજી શેરોમાં અન્યોમાં હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૪૧.૪૦ વધીને રૂ.૨૪૯૬.૨૦, ડાબર ઈન્ડિયા રૂ.૩૦.૭૫ વધીને રૂ.૫૭૫.૬૫, કોલગેટ ઈન્ડિયા રૂ.૧૧૮.૬૫ વધીને રૂ.૨૮૦૪.૨૫, મેરિકો રૂ.૧૯.૭૫ વધીને રૂ.૬૧૪.૩૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૭૨.૬૫ વધીને રૂ.૨૪૨૭.૧૦, ગોદરેજ કન્ઝયુમર રૂ.૪૩ વધીને રૂ.૧૩૫૦ રહ્યા હતા.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં કડાકો
સેન્સેક્સ, નિફટીમાં આજે ઐતિહાસિક ગાબડાં પડયા સાથે રિટેલ ઈનવેસ્ટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ગભરાટમાં મળ્યા ભાવે વેચવાની હોડ મૂકતાં અનેક શેરોના ભાવો તૂટવા સાથે માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૪૨૭ અને વધનારની સંખ્યા માત્ર ૪૧૮ રહી હતી.
રોકાણકારોની સંપતિવિક્રમી ધોવાણ
સેન્સેક્સ, નિફટી ઐતિહાસિક આજે રેકોર્ડ કડાકા સાથે અનેક શેરોમાં ઓનલી સેલરની સાથે વ્યાપક ગાબડાં પડતાં આજે રોકાણકારોની કુલ સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રેકોર્ડ રૂ.૩૧.૦૭ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૩૯૪.૮૩ લાખ કરોડના તળીયે આવી ગયું હતું.
પરિણામોના દિવસે દલાલ સ્ટ્રીટમાં નાટકીય રીતે ઉલટું ચિત્ર જોવા મળ્યું
લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે, દલાલ સ્ટ્રીટમાં નાટકીય રીતે ઉલટું ચિત્ર જોવા મળ્યું હતું કારણ કે સેન્સેક્સ અને નિફ્ટીએ પાછલા સત્રમાં નોંધાયેલા તમામ લાભોને ભૂંસી નાખ્યા હતા. સેન્સેક્સમાં ઈન્ટ્રાડે ૬૨૩૪ પોઈન્ટથી વધુનો જ્યારે નિફ્ટીએ ૧૯૮૨ પોઈન્ટ્સથી વધુનું ગાબડું નોંઘાવ્યું હતું.
આમ અત્યાર સુધી એક્ઝિટ પોલ દ્વારા નિર્ધારિત અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ ગયા છે, જે ગઈકાલે બજારે પુરવાર કર્યું હતું. જો ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ જશે, તો નિરાશાની લાગણી થશે, વધુમાં, એવી અટકળો છે કે મોદી ૩.૦ એડમિનિસ્ટ્રેશન અપેક્ષિત સુધારાઓ કરતાં કલ્યાણની પહેલને પ્રાધાન્ય આપી શકે છે, જે બજારની અપેક્ષાઓથી વિરૂદ્ધ છે તેમ બજારના જાણકારોએ જણાવ્યું હતું.
મત ગણતરીની સાથે મોદી શેરોમાં પીછેહઠ
શેરબજારમાં તાજેતરમાં મોદી સ્ટોક્સથી જાણીતા થયેલા શેરોએ આજે નોંધપાત્ર મંદીનો અનુભવ કર્યો હતો. કારણ કે પ્રારંભિક ચૂંટણી પરિણામો વિપક્ષી જોડાણની તરફેણમાં ગયા હતા.
'મોદી સ્ટોક્સ' શબ્દ એવી કંપનીઓનો સંદર્ભ આપે છે જેમને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની નીતિઓ અને પહેલોથી ઐતિહાસિક રીતે ફાયદો થયો છે. બપોરે ૧૨:૦૦ વાગ્યે, RECનો શેર ૨૨.૬૩% ઘટીને રૂ. ૪૬૭.૭૫, ઈન્ડિયન બેન્ક ૧૪.૦૧% ઘટીને રૂ. ૫૨૧.૭૦, SJVN ૧૨.૯૬% ઘટીને રૂ. ૧૨૪.૬૦, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન ૨૩% થી વધુ ઘટીને રૂ. ૪૨૬.૯૫, HUDCO ૧૮.૨૬% ઘટીને રૂ. ૨૩૪.૬૦, BHEL ૨૩% થી વધુ ઘટીને રૂ. ૨૩૭.૨૫ પર ઉતરી આવ્યો હતો.
આ ઊપરાંત સેન્ટ્રલ બેંક, હિન્દુસ્તાન કોપર, પીએનબી, કેનેરા બેંક, નાલ્કો, ઓએનજીસી, એચએએલ, પીએસબી, એનબીસીસી, એનટીપીસી અને એલઆઈસી જેવા અન્ય મોદી શેરો પણ ઝડપથી તુટયા હતા.