Get The App

માલદીવથી આવ્યા સારા સમાચાર, ભારત સાથે સંબંધો મજબૂત કરવા મોટું પગલું ભરવાની તૈયારી

Updated: May 24th, 2024


Google NewsGoogle News
માલદીવથી આવ્યા સારા સમાચાર, ભારત સાથે સંબંધો મજબૂત કરવા મોટું પગલું ભરવાની તૈયારી 1 - image


Maldives will launch India's RuPay service: ભારત સાથે ખાટા પડેલા સંબંધોમાં સુધારો કરવા માલદીવે સતત ભારતીયોને આકર્ષવા અનેક પ્રયાસો કરી રહ્યું છે. હવે તેણે માલદીવમાં ભારતની RuPay સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જો કે, હજી લોન્ચિંગની તારીખ જારી કરી નથી.

માલદીવના મંત્રીએ જણાવ્યું હતું કે, "અમે હાલમાં રૂપિયામાં ચૂકવણીની સુવિધા માટેના રસ્તાઓ શોધવા ભારત સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. જેવી પ્રવાસીઓ સરળતાથી પેમેન્ટ કરી શકે."

દ્વિપક્ષીય ટ્રાવેલ એન્ડ ટુરિઝમને વેગ મળશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની પ્રોડક્ટ RuPay ભારતભરમાં ATM, POS ડિવાઈસિસ અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર વ્યાપક સ્વીકૃતિ સાથે ભારતમાં ગ્લોબલ કાર્ડ પેમેન્ટ નેટવર્ક ધરાવતી પ્રથમ પ્રોડક્ટ છે. માલદીવનું આ પગલું માલદીવન રૂફિયાને વેગ આપશે. 

માલદીવના આર્થિક વિકાસ અન વેપાર મંત્રી મોહમ્મદ સઈદે જણાવ્યું હતું કે, ડોલરની સમસ્યાને સંબોધતા અમે વર્તમાન એડમિનિસ્ટ્રેશન માટે MVRને પ્રાધાન્ય આપી રહ્યા છીએ. માલદીવમાં રૂપે કાર્ડનો વપરાશ શરૂ કરવાના નિર્ણયને બે લીડર્સે આવકાર્યો હોવાની માલદીવના પ્રેસિડન્ટે જાહેરાત કરી હતી. આ પગલું બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ટ્રાવેલ અને ટુરિઝમને વેગ આપી આર્થિક વિકાસમાં સહયોગી બનશે.

બુધવારે, માલદીવે કહ્યું કે ભારત અને ચીન બંને યુએસ ડોલરને બદલે પોતપોતાના સ્થાનિક ચલણમાં આયાત માટે ચૂકવણી કરવાના પ્રયાસોમાં સહમત થયા છે. સઈદે કહ્યું કે તેઓ બે અઠવાડિયા પહેલા ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવરને મળ્યા હતા, તેમણે ભારતીય રૂપિયામાં આયાત ચૂકવણીની પતાવટની ગોઠવણમાં સમર્થન અને સહકાર આપવા સંમતિ દર્શાવી હતી.

બંને દેશોના આયાત બિલ 50 ટકા ઘટશે

સઈદે કહ્યું કે આ પગલાથી બંને દેશો વચ્ચે થતાં વાર્ષિક $1.5 મિલિયનના આયાત બિલમાં 50% બચત થશે. જુલાઈ 2023માં, ભારત સરકારે જાહેર કર્યું હતું કે સ્થાનિક ચલણમાં દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પેશિયલ રુપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ (SRVA) ખોલવાની મંજૂરી આપવામાં આવેલ 22 દેશોમાં માલદીવનો સમાવેશ થયો છે.

ઘણા દેશોની બેન્કોએ યુપીઆઈ-રૂપેનો સ્વીકાર કર્યો

છેલ્લા કેટલાક વર્ષોમાં, વિવિધ દેશોની મલ્ટીપલ બેન્કો અને પેમેન્ટ કંપનીઓએ UPI અને RuPayને એક યા બીજા સ્વરૂપે સ્વીકારવા માટે NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL), NPCIની આંતરરાષ્ટ્રીય શાખા સાથે ભાગીદારી કરી છે.



Google NewsGoogle News