મહિલાઓ માટેની આ સરકારી રોકાણ સ્કીમ થોડાક મહિનામાં જ બંધ થશે, આ રીતે રોકાણ કરી લાભ મેળવો
Mahila Samman Saving Certificate: મહિલાઓમાં નાણાકીય જાગૃત્તિ લાવવા અને આર્થિક સધ્ધરતા માટે પ્રોત્સાહન આપતાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ફક્ત મહિલાઓ માટે છે. જેમાં તેઓ માર્ચ, 2025 સુધી રોકાણ કરી શકશે. જેમાં બેન્ક એફડી કરતાં વધુ વ્યાજ અને ટેક્સના લાભો મળે છે.
આ રીતે ખાતુ ખોલાવી શકો છો
કોઈપણ વયની ભારતીય મહિલાઓ આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે અને વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ અર્થાત એકસામટું રોકાણ કરી શકે છે. આ યોજના સગીર છોકરીઓ માટે પણ ઉપલબ્ધ છે, જ્યાં તેમના કાનૂની વાલી, માતા-પિતા ખાતું ખોલાવી રોકાણની શરૂઆત કરી શકે છે.
વ્યાજના દર
મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ યોજના પર વાર્ષિક 7.5 ટકાના દરે વ્યાજ મળવાપાત્ર છે. જેના વ્યાજદર દર ત્રણ મહિને ફુગાવાના આધારે બદલાય છે. જેથી આ સ્કીમમાં સારુ એવુ રિટર્ન પ્રાપ્ત થાય છે. વ્યાજ અને મૂળ મૂડી બંને મેચ્યોરિટીના સમયે મળે છે. મેચ્યોરિટી પિરિયડ 2 વર્ષનો છે.
આ પણ વાંચોઃ ફાઈનાન્શિયલ ગોલ પૂરાં કરવા રોકાણ કરવાનું વિચારતાં હોવ તો આ બાબતો સમજી લેજો, થશે ફાયદો
ટેક્સમાં છૂટ
મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટમાં મળતું વ્યાજ પર ઈનકમ ટેક્સ એક્ટ, 80 (સી) હેઠળ છૂટ મળે છે. પરંતુ વ્યાજથી થતી આવક જો રૂ. 40000થી વધુ હોય તો તેના પર ટીડીએસ કપાય છે. આ યોજનામાં ઓછામાં ઓછું રૂ. 1000થી માંડી મહત્તમ રૂ. 2 લાખ સુધીનું રોકાણ કરી શકાય.
ઉપાડ નિયમ
ખાતેદારના આક્સ્મિક મૃત્યુના કિસ્સામાં ખાતુ બંધ કરાવી શકાય છે. ઈમરજન્સી દરમિયાન કારણ દર્શાવી અને અમુક ડોક્યુમેન્ટ્સ રજૂ કરી ખાતુ બંધ કરી શકો છો. તદુપરાંત ખાતુ ખોલાવ્યાના છ મહિના બાદ કોઈપણ કારણ વિના ખાતુ બંધ કરાવી શકો છો, જો કે તેમાં 2 ટકા વ્યાજ ઓછું (5.5 ટકા) મળશે.
આ રીતે ખાતુ ખોલાવો
મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ માટે ખાતુ ખોલાવવા માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, અને કેવાયસી ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. જેના માટે તમે નજીકની પોસ્ટ ઓફિસ અથવા અમુક બેન્કોમાં ચેકની સાથે પે-ઈન-સ્લીપ મારફત રોકાણ શરૂ કરી શકો છો.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.