સેબીના વડાં હોવા છતાં ICICI ગ્રૂપમાંથી 17 કરોડથી વધુના લાભ લીધા, માધબી પુરી બુચ સામે ફરી ગંભીર આક્ષેપો
SEBI Chairperson Takes Salary From 3 Sources: શેરબજારનું નિયમન કરતી સંસ્થા સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે ‘નિયમો વિરુદ્ધ જઈને મેળવેલા લાભો’ સામે કોંગ્રેસે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. કાયદાકીય જોગવાઈની વિરુદ્ધ જઈને માધવી પુરી બુચે સરકારી પગારની આવક કરતા પાંચ ગણી એટલે કે કુલ રૂ.16.80 કરોડની જંગી રકમનો લાભ તો પૂર્વ નોકરીમાંથી જ લઈ લીધો છે. આ રકમમાં પગાર, અન્ય આવક અને એમ્પલોઇ સ્ટોક ઓનરશિપ પ્લાન સામેલ છે.
હિંડનબર્ગ પણ માધવી પુરી બુચના વિદેશી રોકાણોનો પર્દાફાશ કરી ચૂક્યું છે. તે સંદર્ભે પણ કોંગ્રેસે સેબી ચેરપર્સનની નિયત અને નિષ્પક્ષતા પર શંકા કરીને સવાલ ઉઠાવ્યો છે કે, આખરે માધબી પુરી બુચને સરકારમાંથી કોનું આટલી હદે રક્ષણ મળી રહ્યું છે અને હજુ સુધી તેમની સામે કેમ કોઈ કાર્યવાહી કરાઈ નથી?
સેબીના પૂર્ણકાલીન સભ્ય હોવા છતાં ICICI બેંકમાંથી પગાર લીધો
સેબીના ચેરપર્સન તરીકે નિમણૂક થતા પહેલા માધબી પુરી બુચ સેબીના પૂર્ણકાલીન સભ્ય હતા. 2017થી 2021ના સમયગાળા સુધી તેમણે આઈસીઆઈસીઆઈ બેંક અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાંથી પગાર લેવાનો પણ ચાલુ રાખ્યો હતો, જ્યાં તેઓ પહેલા નોકરી કરતા હતા. કોંગ્રેસે એક પત્રકાર પરિષદમાં વિગતો આપતા કહ્યું છે કે ‘સેબીના ચેરપર્સન બુચે પૂર્ણકાલીન સભ્ય હતા, ત્યારે આઈસીઆઈઆઈ બેંક પાસેથી રૂ. 12.63 કરોડ પગાર મેળવ્યો હતો. 2017થી 2024 દરમિયાન તેમણે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પાસેથી પણ રૂ. 22.41 લાખની આવક મેળવી હતી. એટલું જ નહીં, આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારી હોય તે રીતે તેમણે એમ્પલોઇ સ્ટોક ઓનરશિપ પ્લાન (ઈસોપ) પેટે પણ રૂ. 2.84 કરોડનો લાભ મેળવ્યો હતો. ઈસોપ પેટે ભરવાપાત્ર ટીડીએસ (ટેક્સ ડિડક્ટડ એટ સોર્સ) રૂ. 1.10 કરોડ પણ બેન્કે જ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતા. આમ માધબી પુરી બુચે નિયમ વિરુદ્ધ જઈને કુલ રૂ.16.80 કરોડના લાભ મેળવ્યા છે.
સેબીના વડાં હતા ત્યારે ICICI બેંકને લાભ કરાવ્યાનો પણ આક્ષેપ
કોંગ્રેસનો આક્ષેપ છે કે, ‘આ સમયગાળામાં સેબીએ આઈસીઆઈસીઆઈની તરફેણમાં કેટલાક નિર્ણયો લીધા હતા, જે માધબી પુરી બુચ સેબીના વડાં હતાં ત્યારે લેવાયા હતા. આ રીતે તેમણે આઈસીઆઈસીઆઈ બેંકને લાભ કરાવી આપ્યો હતો, જે કાયદાકીય જોગવાઈની વિરુદ્ધ છે. તેમણે સેબીમાં નોકરીના કાર્યકાળ વખતે કુલ રૂ.3.30 કરોડના પગાર તેમજ અન્ય ફીની આવક મેળવી છે, જેની સામે આઈસીઆઈસીઆઈ બેન્કમાંથી મળેલો લાભ પાંચ ગણો વધારે છે.’ આ વિગતો આપીને કોંગ્રેસે માધબી પુરી બુચ સામે આ કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટની તપાસ થાય એવી પણ માગ કરી છે.
કોંગ્રેસે ઉઠાવેલા સવાલ
અદાણીમાં ‘ભાગીદાર’ હોવા છતાં તેની જ સામેની તપાસનું નાટક
હાલમાં જ હિન્ડેનબર્ગે ધડાકો કર્યો હતો કે સેબીના વડાં માધબી પુરી બુચ અદાણી જૂથની કંપનીઓમાં હવાલા અને નાણાકીય ગેરરીતિ માટે ઉપયોગમાં લેવાતી શેલ કંપનીઓ અને ફંડમાં રોકાણકાર હતા. આમ છતાં તેમણે અદાણી સામે જાન્યુઆરી 2023માં થયેલી ફરિયાદોની તપાસમાં ભાગ લીધો હતો. એવું કહેવાય છે કે, અદાણીની કંપનીઓમાં તેમનું હિત સંકળાયેલું હોવાથી જ અદાણીને ક્લિનચીટ અપાઈ છે.
વળી, આ આક્ષેપનો જવબ આપતા માધબી પુરી બુચે આડકતરી રીતે કબૂલાત કરી હતી કે, ‘હું અને મારા પતિ આ ફંડમાં રોકાણકાર હતા.’ આ આક્ષેપો ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થા અને સેબીના ચરિત્ર હનન સમાન છે. નવાઈની વાત તો એ છે કે, સેબી નાણા મંત્રાલય અંતર્ગત કામ કરે છે, પરંતુ દેશના આ સૌથી મહત્ત્વના મંત્રાલયે આટલા મોટા કૌભાંડના પર્દાફાશ પછીયે મૌન ધારણ કરેલું છે. સરકારે હજુ સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી. ઊલટાનું ભાજપે તો હિન્ડેનબર્ગ ભારત વિરોધી હોવાનું અભિયાન ચલાવ્યું હતું.
સેબીના કોડ ઓફ કન્ડક્ટના ધજિયા ઉડાવ્યા પછીયે કોઈ કાર્યવાહી નહીં
જો કે કોંગ્રેસે માધબી પુરી બુચ અને આઈસીઆઈસીઆઈ સામે કરેલા આક્ષેપો વધુ ગંભીર છે. આ મુદ્દે સરકારે જવાબ આપવો જ જોઈએ એવી શેરબજારના અગ્રણીઓમાં પણ ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ, ઈન્ડિયન રેવન્યુ સર્વિસના સભ્ય નહી હોવા છતાં સીધા સેબીના વડાં બની ગયેલાં માધબી પુરી બુચ પર હોદ્દા પરથી રાજીનામું આપી દેવાનું દબાણ વધી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક અને પ્રુડેન્શિયલ પાસેથી પગાર મેળવવો સેબીના નિયમોની વિરુદ્ધ છે. સેબીના કોડ ઓફ કન્ડકટની કલમ 54 સેબીના કોઇપણ કર્મચારી કે બોર્ડ સભ્યને સેબી સિવાય અન્ય પાસેથી તમામ પ્રકારના નાણાકીય લાભ પર પ્રતિબંધ મૂકે છે. આમ છતાં, માધબી પુરી બુચે કુલ રૂ. 16.80 કરોડનો લાભ મેળવી લીધો તે દેશની સિસ્ટમ પર લપડાક જોરદાર સમાન છે.
એમ્પ્લોઇ સ્ટોક ઓનરશિપ પ્લાનનો લાભ કંપનીઓ કર્મચારીઓને જ આપે છે. કર્મચારી નોકરી છોડે કે કંપની હકાલપટ્ટી કરે તો ઇસોપના લાભ રદ ગણાય છે. આઈસીઆઈસીઆઈ બેંકના ઇસોપના નિયમોમાં પણ કલમ 10(3)માં તેનો ઉલ્લેખ છે. તો પછી સેબીના પૂર્ણકાલીન સભ્ય માધબી પુરી બુચને આઈસીઆઈસીઆઈ બેન્કે પગાર કેવી રીતે ચૂકવ્યો અને ઇસોપનો લાભ કેવી રીતે આપ્યો? અત્યારે એવું લાગે છે કે, માધબી પુરી બુચ સેબીના સભ્ય કે અધ્યક્ષ હોવા છતાં તેમનો પગાર અને અન્ય લાભ બેન્કે એક કર્મચારી તરીકે ચાલુ રાખ્યા હતા.