હિંડનબર્ગના આરોપો અંગે માધબી બુચનો જવાબ, મિત્રની સલાહથી રોકાણ કર્યું હતું, પૈસા અદાણી પાસે નથી ગયા
Hindenburg New Report: શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી સાથે સાંઠગાંઠના આરોપ પર માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે વિસ્તૃત જવાબ આપ્યો છે.
સેબીમાં જોડાયાના બે વર્ષ પહેલા કર્યું હતું રોકાણ: બુચ
નવા જવાબમાં બુચ દંપત્તિએ કહ્યું છે કે હિંડનબર્ગ દ્વારા જે ફંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રોકાણ તેમણે વર્ષ 2015માં કર્યું હતું. ત્યારે તેઓ બંને (માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ) સિંગાપોરના નાગરિક હતા અને SEBIમાં જોડાયાના બે વર્ષ પહેલા આ રોકાણ કરવામાં આવ્યું હતું.
SEBIના ચેરપર્સન પર કયા આરોપ મૂક્યા છે, સમજો હિંડનબર્ગનો રિપોર્ટ ટુ ધ પોઈન્ટ
બાળપણના મિત્રની સલાહથી રોકાણ કર્યું: બુચ
વધુમાં જણાવતા બુચ દંપત્તિએ કહ્યું છે કે આ રોકાણ તેમણે ધવલના ખાસ મિત્ર તથા ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અનિલ આહુજાની સલાહ પર કર્યું હતું. અનિલ આહુજા બાળપણથી લઈને IIT સુધી ધવલ બુચના મિત્ર હતા. અનિલ આહુજાએ સિટીબેન્ક, જે પી મોર્ગન તથા 3i ગ્રૂપ જેવી સંસ્થાઓમાં કામ કર્યું છે.
2018માં રોકાણ પરત ખેંચ્યું: બુચ
બુચ દંપત્તિનો દાવો છે કે જ્યારે વર્ષ 2018માં તેમને જાણ થઈ કે આહુજાએ ફંડના CIO રૂપે પદ છોડી દીધું છે ત્યારે તેમણે પણ પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું હતું. આ ફંડનો ક્યારેય અદાણીની કોઈ કંપનીના બોન્ડ કે ઈક્વિટીમાં ઉપયોગ કરાયો નથી.
નોંધનીય છે કે 10મી ઓગસ્ટે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. હિંડનબર્ગ દાવો હતો કે અદાણી ગ્રૂપ સાથે જોડાયેલી ઑફશોર કંપનીમાં માધબી પુરી બુચ અને તેમના પતિની ભાગીદારી હતી.
હિંડનબર્ગના રિપોર્ટ બાદ બુચ દંપત્તિએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યું સફાઇ આપી હતી કે, SEBIએ હિંડનબર્ગને કારણ બતાવો નોટિસ ફટકારી હતી તેથી બદલાની ભાવના રાખીને તેમનું ચરિત્રરણ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
હિંડનબર્ગની દુનિયાભરમાં ચર્ચા, જાણો કોણ છે તેનો માલિક નથાન અને કેવી રીતે કમાય છે આ કંપની?
અદાણીનો જવાબ |
અમારા કોઈ કોમર્શિયલ સંબંધ નથી: અદાણી
હિંડનબર્ગના આરોપો પર અદાણી ગ્રૂપ દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે. અદાણીએ પણ આરોપો નકારીને કહ્યું છે કે અગાઉ તપાસ થઈ ચૂકી છે અને તમામ આરોપ આધારહીન સાબિત થઈ ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં જ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ગ્રૂપનું કહેવું છે કે તેમના ઓવરસીઝ હોલ્ડિંગ સ્ટ્રક્ચરમાં પારદર્શિતા છે અને સમય સમય પર પબ્લિક ડોક્યુમેન્ટના માધ્યમથી જાણકારીઓ આપવામાં આવે છે. રિપોર્ટમાં જે લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની સાથે અમારા કોઈ જ કોમર્શિયલ સંબંધ નથી.
સેબી જેવી સંસ્થાઓ પણ કોર્પોરેટ જૂથોની કઠપૂતળી, હિંડનબર્ગના ધડાકા પછી નાણાકીય સિસ્ટમ સામે સવાલ