US સ્ટોક માર્કેટ: કંપનીએ ભૂલથી ‘0’ લગાવતા શેર ખરીદવા પડાપડી, પછી મચ્યો હાહાકાર
કંપનીએ ઝીરોની ભુલ કરતાં માર્કેટ કેપિટલાઈઝેશન ચાર અબજ ડૉલરને પાર પહોંચી ગયું
કંપનીએ ભુલ સ્વિકારતા શેરનો ભાવ 67 ટકા ઘટી 17 ટકાની તેજી સાથે બંધ થયો
US Stock Market Lyft Share : ભારત હોય કે, અમેરિકા, કે પછી જાપાન... શેર બજારમાં કંઈપણ થઈ શકે છે, કોઈક શેર રોકાણકારોને એક ઝટકામાં કરોડપતિ બનાવી દે છે, તો કોઈક કંગાળ પણ બનાવી દે છે. સામાન્ય સંજોગોમાં ઘણા પરિબળોને કારણે શેરબજારમાં ઉથવ-પાથલ થતી રહે છે, પરંતુ જો કોઈ કંપનીની સામાન્ય ભુલને કારણે હાહાકાર થાય તો તે ચર્ચાનો વિષય બની જાય છે, ત્યારે આવી જ એક ઘટના અમેરિકાના સ્ટોક માર્કેટ (US Stock Market)માં જોવા મળી છે. ત્યાંની એક કંપનીની ‘ઝીરો’ ભુલના કારણે ભારે હાહાકાર જોવા મળ્યો છે. કંપનીએ પરિણામ જાહેર કરી એબિટા માર્જિનમાં એક શૂન્ય વધુ જોડી દીધો હતો, જેના કારણે કંપનીના શેર ખરીદવા હોડ જામી અને કંપનીનો શેર 60 ટકાથી વધુ ઉછળ્યો. પરંતુ ત્યારબાદ ભુલ સામે આવતા જ રોકાણકારોએ રોવાનો વારો આવ્યો, તો કંપનીની માર્કેટકેપમાં ધરખમ વધારો થયો છે.
શેર ખરીદવા લૂંટ મચી, કિંમત 67 ટકા સુધી ઉછળી
કેલિફોર્નિયામાં હેડક્વાર્ટર ધરાવતી લિફ્ટ (Lyft) કંપની અમેરિકા અને કેનેડામાં મોબિલિટી સેવા પુરી પાડે છે અને તે અમેરિકાના શેર બજારમાં પણ લિસ્ટેડ છે. કંપનીએ તાજેતરમાં જ પરિણામ જાહેર કરી સ્ટોક એક્સચેન્જને ફાયલિંગમાં જણાવ્યું હતું કે, વાર્ષિક આધારે 2024માં કંપનીનું એબિટા માર્જિન 500 બેસિસ પોઈન્ટ અથવા 5 ટકા વધવાનો અંદાજ છે. કંપનીનો અંદાજ રોકાણકારોની આશાથી ઘણો આસમાને હતો. કંપનની જાહેરાત બાદ શેર ખરીદવા લૂંટ મચી અને જોતજોતામાં Lyft Share તોફાની તેજી સાથે 67 ટકા સુધી પહોંચી ગયો.
ઝીરોનો કમાલ, બે વર્ષના હાઈલેવલ પર પહોંચી ગયો શેરનો ભાવ
કંપનીના શેરમાં વધારો થવા પાછળનું કારણ ઝીરો હતું, પરંતુ કંપનીએ ઝીરોનો ખુલાસો કરતાં જ શેરની કિંમત સડસડાટ નીચે આવી ધરાશાઈ થયો અને શેર ખરીદનારાઓને રોવાનો વારો આવ્યો. વૉલ સ્ટ્રીટ જનરલના અહેવાલ મુજબ કંપનીનો શેર 67 ટકાના ઉછાળા સાથે બે વર્ષના હાઈલેવલ પર પહોંચી ગયો હતો અને કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન (Lyft Market Cap) ચાર અબજ ડૉલરને પાર નોંધાયું છે. કંપનીએ પોતાની ભુલ સ્વિકારી તુરંત નવું પરિણામ જાહેર કર્યું હતું.
‘એબિટા માર્જિન 500 નહીં... 50BPS’
લિફ્ટના સીએફઓ (Lyft CFO)એ ભુલ બાદ તુરંત પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, ‘અમને ટાઈપિંગ એરરની માહિતી મળી છે. કંપનીનું એબિટા માર્જિન 50 બેઝિસ પોઈન્ટ છે, જે ટાઈપિંગની ભુલના કારણે 500 બેઝિસ પોઈન્ટ થઈ ગઈ હતી.’ સીએફઓએ આ જાહેરાત કર્યા બાદ કંપનીનો શેર 67 ટકા ઘટી 17 ટકાની તેજી સાથે બંધ થયો હતો.