બજેટ 2024 પહેલાં જ મોંઘવારીનો ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઝિંકાયો વધારો
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં મોદી સરકારનું છેલ્લું અને લોકસભા ચૂંટણી ટાણે વચગાળાનું બજેટ રજૂ કરશે
image : Twitter |
budget 2024 News Live And LPG Price News | આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં મોદી સરકારનું છેલ્લું અને લોકસભા ચૂંટણી ટાણે વચગાળાનું બજેટ રજૂ કરશે. જોકે તેના પહેલાં જ દેશની પ્રજાને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ખરેખર તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓના કારણે 19 કિ.ગ્રા.ના કોમર્શિયલ ગેસ સિલિન્ડર (LPG Cylinder Price Hike) ના ભાવમાં વધારો ઝીંકાયો છે.
કેટલો ભાવ વધારો થયો?
IOCLની વેબસાઇટ અનુસાર 19 કિ.ગ્રા.વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1769.50 રૂપિયા થઈ ગઈ છે. નવા દરો આજથી 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવી ગયા છે. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો કોલકાતામાં એક કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1869.00 રૂપિયાથી વધારીને 1887 રૂપિયા થઇ ચૂકી છે. જ્યારે મુંબઈમાં હવે તે 1723 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં પણ તેની કિંમત 1937 રૂપિયા થઈ ગઈ છે.
ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
માહિતી અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પણ જ્યારે ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર રખાઈ છે.