દિવાળીએ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં એકઝાટકે આટલો વધારો ઝીંકાયો
LPG Price 1 Nov: દિવાળીને હજુ માંડ એક દિવસ નથી થયો ત્યાં મોંઘવારીનો બોમ્બ ફૂટતાં ગ્રાહકોએ ફરી ભોગવવાનો વારો આવ્યો છે. આજે 1 નવેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એકઝાટકે લગભગ 62 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
કેટલો થયો ભાવવધારો?
ઈન્ડિયન ઓઈલ દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ રેટ મુજબ, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 1802 રૂપિયા થઈ ગઈ છે. ત્યારે કોલકાતામાં 19 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1911.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં પણ એલપીજી સિલિન્ડર મોંઘું થઈ ગયું છે અને તે 1754.50 રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1964.50 રૂપિયા થઈ ગઈ છે.
જાણો મોટા શહેરોના રેટ
મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોએ પણ હવે 62 રૂપિયા વધારે ચૂકવવા પડશે. 1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1692.50 રૂપિયા હતી જે હવે 1754.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં પહેલા તે 1850.50 રૂપિયા હતો અને હવે તે 1911.50 રૂપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં જે બ્લુ સિલિન્ડર 1903 રૂપિયામાં મળતું હતું તે આજે 1964.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત્
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે ચેન્નાઈમાં પણ, ઘરેલુ સિલિન્ડર સપ્ટેમ્બરના દરે 818.50 રૂપિયામાં જ ઉપલબ્ધ છે. દિલ્હીમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર તેના જૂના 803 રૂપિયાના દરે ઉપલબ્ધ છે. ત્યારે કોલકાતામાં 829 રૂપિયા અને મુંબઈમાં 802.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.