શેરબજારમાં ધબડકાથી રોકાણકારોની સંપતિમાં રૂ. 9.20 લાખ કરોડનું ધોવાણ
- સેન્સેક્સમાં 930 અને નિફ્ટીમાં 309 પોઈન્ટનો કડાકો : FPIની રૂ.3979 કરોડની વેચવાલી
અમદાવાદ : વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાવાની સાથોસાથ વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી સહિતના અન્ય અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં કડાકો બોલી જવા પામ્યો હતો. જેના પગલે કામકાજના અંતે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટકેપ.) રૂ.૯.૨૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.
ચીન દ્વારા રાહત પેકેજો જાહેર કરાતા વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીન તરફ વળ્યાના અહેવાલોની સાથોસાથ વિદેશી શેરબજારોમાં પણ મોટા પાયે વેચવાલીના અહેવાલોની ભારતીય બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત ઘર આંગણે અત્યાર સુધી કંપનીઓ દ્વારા જાહેર કરાયેલ પરિણામોમાં નફા વૃદ્ધિમાં રૂકાવટ આવ્યાના અહેવાલોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઇ હતી. આ ઉપરાંત ઉંચા વેલ્યુએશનની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. આજે લાર્જકેપની સાથે સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં પણ મોટા પાયે ગાબડા નોંધાયા હતા.
આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ફંડો તેમજ ઓપરેટરો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે આજે સેન્સેક્સમાં છેલ્લા કલાકમાં ભારે પેનિંક આવતા કામકાજના અંતે ૯૩૦ પોઈન્ટ તૂટીને ૮૦૨૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦૯ પોઈન્ટ તૂટીને ૨૪૪૭૨ની સપાટીએ ઉતરી આવ્યો હતો.
સેન્સેક્સની નરમાઈ પાછળ આજે રોકાણકારોની સંપત્તિ પણ રૂ. ૯.૨૦ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૪.૪૫ લાખ કરોડ રહી હતી. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૩૯૭૯ કરોડની વેચવાલી હાથ ધરી હતી. આજે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧૧૮ અને મીડકેપ ઇન્ડેક્સમાં ૧૧૯૦ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું.