ભ્રષ્ટાચારના કેસમાં SEBI વડા માધબી પુરી બુચ અને મહુઆ મોઈત્રાને સુનાવણીમાં હાજર થયા અપાયો આદેશ
Madhabi Puri Buch: ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલે ભ્રષ્ટાચારના કેસમાં કથિત આરોપી માર્કેટ રેગ્યુલેટર સેબીના વડા માધબી પુરી બુચ અને ફરિયાદી તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા સહિત અન્યને મૌખિક સુનાવણી માટે આગામી મહિને 28 જાન્યુઆરીએ બોલાવ્યા છે. હિન્ડબર્ગ રિસર્ચના રિપોર્ટના પગલે માધબી પુરી બુચ પર મહુઆ મોઈત્રા સહિત અન્ય બે ફરિયાદીઓએ ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. આ મામલે લોકપાલે આઠ નવેમ્બરે બુચ પાસે સ્પષ્ટીકરણ માંગ્યુ હતું.
લોકપાલે માર્કેટ રેગ્યુલેટરના વડા બુચને ચાર સપ્તાહની અંદર જવાબ આપવા આદેશ આપ્યો હતો. આ મામલે સુનાવણી કરતાં લોકપાલ બેન્ચે જણાવ્યું હતું કે, 'આરપીએસ (જવાબ આપનાર જાહેર સેવક- માધબી પુરી બુચ)એ 7 ડિસેમ્બર, 2024ના રોજ શપથ પત્ર મારફત જવાબ આપ્યો હતો. જેમાં પ્રારંભિક મુદ્દાઓની સાથે સાથે આરોપ-વાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. લોકપાલ અધ્યક્ષ જજ એ.એમ ખાનવિલકર અને પાંચ અન્ય સભ્યો દ્વારા હસ્તાક્ષરિત 19 ડિસેમ્બરના આદેશ અનુસાર, આરપીએસની સાથે સાથે ફરિયાદીઓને પણ મૌખિક સુનાવણીની તક આપવામાં આવી શકે છે. ફરિયાદીઓ અથવા સોગંદનામામાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરી શકે છે. સેબીના વડા બૂચ અને ફરિયાદીઓ જો કોઈપણ અહેવાલમાં લેવામાં આવેલા નિર્ણયો પર આધાર કે પુરાવા રજૂ કરવા માંગતા હોય તો તેઓએ આવા નિર્ણયોનું સંકલન આગામી સુનાવણી 28 જાન્યુઆરી, 2025 પહેલાં 18 જાન્યુઆરી, 2025 સુધીમાં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ રજૂ કરી શકાશે નહીં.'
હિન્ડનબર્ગના રિપોર્ટમાં અદાણી જૂથના શેર્સમાં ગેરરીતિ થઈ હોવાના આરોપમાં સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિની પણ સંડોવણી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, માધબી પુરી બુચ સતત આ આરોપોને નકારી રહ્યા છે.