બૅન્ક ખાતામાં હવે 4 નોમિની રાખી શકાશે, 5 બૅન્કિંગ કાયદામાં કુલ 19 સુધારા, લોકસભામાં બિલ પાસ
Banking Laws (Amendment) Bill: લોકસભામાં મંગળવારે બૅન્કિંગ કાયદો (સુધારા) બિલ, 2024ને મંજૂરી આપવામાં આવી હતી. આ સુધારા સાથે હવે બૅન્ક ખાતાધારકો તેમના ખાતામાં ચાર નોમિની રાખી શકશે. આ બિલ મારફત પાંચ બૅન્કિંગ કાયદાઓમાં કુલ 19 સુધારાઓ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેના મારફત બૅન્કિંગ સિસ્ટમમાં સંચાલન વ્યવસ્થા મજબૂત બનાવવાની સાથે ગ્રાહકો અને રોકાણકારોના હિતોને સુરક્ષિત રાખશે.
નોમિનીમાં ફેરફારનો ફાયદો
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, નોમિનીની સંખ્યામાં વધારો કરતાં બૅન્કોએ અનક્લેમ્ડ કેટેગરીમાં સામેલ ડિપોઝિટ ઘટાડવાની ખાતરી કરવી પડશે. આ સુધારા હેઠળ આરબીઆઇને સ્ટેટ્યુટરી રિપોર્ટ સોંપવાની ડેડલાઇન પણ આપવામાં આવી છે. જેનાથી બૅન્કિંગ સિસ્ટમ સરળ,પારદર્શી અને વેગવાન બનશે.
હાલ એક જ નોમિનીની જોગવાઈ
વર્તમાન નિયમો અંતર્ગત એક જ નોમિની ડિપોઝિટરના જમા નાણાંની ચૂકવણી કરી શકે છે. જેમાં કસ્ટડી કે લોકર્સમાં નાણાં સુરક્ષિત રાખવામાં આવે છે. હવે આ સુધારાથી ચાર નોમિનીને આ સુવિધાનો લાભ મળશે.
આ પાંચ ઍક્ટમાં સુધારાઓ
આ બિલ મારફત રિઝર્વ બૅન્કે ઑફ ઇન્ડિયા ઍક્ટ 19૩4, બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ 1949, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ઍક્ટ 1955, બૅન્કિંગ કંપનીસ (એક્વિઝિશન ઍન્ડ ટ્રાન્સફર ઑફ અન્ડરટેકિંગ્સ) ઍક્ટ 1970 અને બૅન્કિંગ કંપની (એક્વિઝિશન ઍન્ડ ટ્રાન્સફર ઑફ અન્ડરટેકિંગ્સ) એક્ટ 1980માં કુલ 19 સુધારા કરાયા છે.
અન્ય મહત્ત્વના સુધારાઓ
બૅન્કિંગ કાયદા (સુધારા) બિલમાં અન્ય એક સુધારો ડિરેક્ટરશિપ્સ માટે ‘સબસ્ટેન્શિયલ ઇન્ટરેસ્ટને નવેસરથી વ્યાખ્યાયિત કરવા સંબંધિત છે. જેમાં લગભગ 6 દાયકા અગાઉ નિશ્ચિત કરાયેલી રૂ. 5 લાખની વર્તમાન મર્યાદા વધારી રૂ. 2 કરોડ કરવાની ભલામણ છે. બૅન્કિંગ કાયદા (સુધારા) બિલમાં રોકડ અનામત (કેશ રિઝર્વ) માટે ફોર્ટનાઇટની પરિભાષા બદલવામાં આવી છે. આ સિવાય ઓડિટર્સને ચૂકવણી માટે મહેનતાણું નક્કી કરવામાં બૅન્કોને વધુ સ્વતંત્રતા આપવાની જોગવાઈ કરાઈ છે.
આ પણ વાંચોઃ PF ક્લેમ કરતી વખતની મોટી અડચણ દૂર, આધાર ફરજિયાત નહીં, હવેથી આ ડૉક્યુમેન્ટ જરૂરી
ચેરમેન અને ડિરેક્ટર્સનો કાર્યકાળ વધાર્યો
નાણામંત્રીએ 202૩-24ના બજેટ ભાષણમાં આ બિલની જાહેરાત કરી હતી. આ બિલમાં સહકારી બૅન્કોમાં ચેરમેન અને પૂર્ણકાલિન ડિરેક્ટર સિવાયના ડિરેક્ટર્સનો કાર્યકાળ 8 વર્ષથી વધારી 10 વર્ષનો કરવાની જોગવાઈ છે. સીતારમણે કહ્યું કે, આ સુધારા મારફત થાપણદારોને ક્રમિક અથવા એક સાથે નોમિનેશનની સુવિધા જ્યારે લોકર ધારકોને માત્ર ક્રમિક નોમિનેશનનો વિકલ્પ અપાશે. 2014થી એનડીએ સરકાર અને આરબીઆઇ બૅન્કોને સ્થિર જાળવી રાખવા સાવચેત બની છે. અમારો ઉદ્દેશ આપણી બૅન્કોને સુરક્ષિત, સ્થિર અને સ્વસ્થ રાખવાનો છે. 10 વર્ષ બાદ તમે તેના પરિણામ જોઈ રહ્યા છો.
બૅન્કોની નફાકારકતા વધી
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ભારતીય બૅન્કોએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. 2023-24માં બૅન્કોનો ચોખ્ખો નફો વધી રૂ. 1.41 લાખ કરોડ અને 2024-25ના પ્રથમ છ માસમાં રૂ. 85520 કરોડ નોંધાયો છે. જે અત્યારસુધીમાં સૌથી વધુ છે. ટૂંકમાં સરકારી બૅન્કો નફાકારક બની છે. રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સરકારી બૅન્કોના ડિસઇન્વેસ્ટમેન્ટ પર કોઈ વિચાર કરી રહી નથી. જો કે, 2019માં 10 બૅન્કોના ડિસઇન્વેસ્ટમેન્ટ થયા હતા. આ મર્જરના કારણે ભૌગોલિક વૈવિધ્યકરણને સુવિધાજનક બનાવવા, નવા બજોરમાં પ્રવેશ કરવા અને ગ્રાહકનો આધાર વિસ્તાર જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.