EXIT POLL ઈફેક્ટ, સેન્સેક્સ 2600 પોઇન્ટના ઉછાળા સાથે રોકેટ, નિફ્ટીમાં 800 પોઈન્ટનો ઉછાળો
Stock Market News | શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત રહી. પ્રિ ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતાં 76583 પોઈન્ટની સપાટી સ્પર્શી હતી. સેન્સેક્સમાં આજે EXIT POLLની ઈફેક્ટ દેખાઈ હતી અને તેની સાથે જ 2600 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ સાથે નિફ્ટીમાં પણ એકઝાટકે 800થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.
બજાર કેમ ઉછળ્યો?
મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જ બજારમાં મોટો ઉછાળો આવ્યાની ચર્ચા છે. આજે સવારે સેન્સેક્સે પણ ઓલટાઈમ હાઈ 76583.29 પોઈન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ લગભગ 800 પોઈન્ટનો ઉછાળો દર્શાવતા 23338.70ની ઓલટાઈમ હાઈ રેકોર્ડ સર્જી દીધો હતો.
રોકાણકારોની મૂડી 13 લાખ કરોડ વધી
શેરબજારમાં આક્રમક તેજી વચ્ચે રોકાણકારોને ચાંદી જ ચાંદી છે. રોકાણકારોની મૂડી રૂ. 12.72 લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ રૂ. 425.09 લાખ કરોડ થઈ છે. આજે 307 શેરોમાં અપર સર્કિટ અને 241 શેરો વર્ષની ટોચે (52 Week High) પહોંચી છે. નિફ્ટી VIX આજે 19.71 ટકા ઘટ્યો છે.