Get The App

મોબાઈલ, ઈમેલ, ફોન અને ઈન્ટરનેટ બધુ બંધ.... નાણા મંત્રાલયમાં 'લૉકડાઉન', જાણો શું છે કારણ

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
Union Budget 2024-25

Image: IANS


Union Budget 2024-25: નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. આ મોદી સરકારનું ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ છે. મંગળવારે પરંપરાગત હલવા સેરેમની સાથે બજેટને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરવર્ષે બજેટની તૈયારી માટે લોક ઈન પ્રોસેસ પહેલાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. હલવા સેરેમની બાદ આશરે એક સપ્તાહ સુધી નાણા મંત્રાલયના અમુક પસંદગીના અધિકારી નોર્થ બ્લોકના બેસમેન્ટમાં રહે છે. જે લોકો નાણા મંત્રી દ્વારા બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ જ બહાર નીકળી શકે છે. આમ કરવા પાછળનું કારણ બજેટ સાથે જોડાયેલી માહિતી લીક ન થાય તે માટે છે.

બજેટમાં સામેલ અધિકારીઓ લોક-ઈનમાં

બજેટ બનાવવાની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓએ એક સપ્તાહ સુધી લોક-ઈનમાં રહેવુ પડે છે. તે દરમિયાન આ કર્મચારીઓ બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક રાખી શકશે નહીં. નાણા મંત્રી દ્વારા સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ જ આ લોકો બહાર આવી શકે છે. બજેટ છાપવા માટે નોર્થ બ્લોકની અંદર એક પ્રેસ પણ છે. ભારત જ નહીં વિશ્વના અનેક દેશોમાં બજેટ ઘડનાર અધિકારીઓ લોક ઈનમાં રહે છે. 

બજેટમાં ખેડૂતોને આ ચાર મોટી જાહેરાતથી ખુશ કરી શકે છે સરકાર, પીએમ કિસાન ક્રેડિટ પર થશે ફોકસ

100 જેટલા અધિકારીઓ સંપર્ક વિહોણા થાય છે

ભારતીય બંધારણના અનુચ્છેદ 112 અંતર્ગત નાણા મંત્રીને દરવર્ષે સંસદમાં બજેટ રજૂ કરવુ પડે છે. જેને ગુપ્ત રાખવા માટે બજેટ બનાવવાની પ્રક્રિયામાં સામેલ આશરે 100 કર્મચારીઓએ એક સપ્તાહ સુધી પોતાના ઘર પરિવારથી દૂર રહેવુ પડે છે. તે દરમિયાન તેમને મોબાઈલ, ઈ-મેઈલ, ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની મંજૂરી હોતી નથી. દુનિયા સાથે સંપર્ક વિહોણા કરી દેવામાં આવે છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ચાંપતી નજર તેમના પર હોય છે. ડૉક્ટરોની એક ટીમ પણ ત્યાં હાજર હોય છે જેથી કોઈ કર્મચારીની તબિયત લથડી જાય તો તેની સારવાર થઈ શકે.

જો કોઈ પ્રિન્ટિંગ કર્મચારી ઈમરજન્સીમાં સિક્રેટ રૂમમાંથી બહાર આવે છે તો ઈન્ટેલિજન્સ વિભાગ અને દિલ્હી પોલીસનો એક વ્યક્તિ હંમેશા તેની સાથે હોય છે. નાણા મંત્રાલયના પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા લોકોને આપવામાં આવતા ભોજનની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે.

પેપરની પણ ચકાસણી

છેલ્લા કેટલાક સમયથી બજેટ ડિજિટલ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. પરંતુ અગાઉ જ્યારે બજેટના દસ્તાવેજો છાપવામાં આવતા હતા ત્યારે આઈબી તેને લગતા કાગળો પર નજર રાખતી હતી. બજેટ દસ્તાવેજોમાં વપરાયેલ કાગળ ગુપ્તચર વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ નાણા મંત્રાલયના પ્રિન્ટિંગ પ્રેસમાં પહોંચ્યો હતો. તેની પ્રિન્ટીંગ, પેકેજીંગ અને તે સંસદમાં પહોંચે ત્યાં સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હતી. બજેટ સવારે 11 વાગ્યે લોકસભામાં રજૂ કરવામાં આવે છે. 


  મોબાઈલ, ઈમેલ, ફોન અને ઈન્ટરનેટ બધુ બંધ.... નાણા મંત્રાલયમાં 'લૉકડાઉન', જાણો શું છે કારણ 2 - image


Google NewsGoogle News