NSE ખાતે ગીરો તરીકે સ્વિકાર્ય શેરોની યાદીમાં 1000થી વધુનો ઘટાડો

- આ નવી વ્યવસ્થા એક ઓગસ્ટ ૨૦૨૪થી તબક્કાવાર લાગુ પડશે : એનએસઈ પર ઈન્ટ્રા-ડે, એફએન્ડઓ ટ્રેડિગ મુશ્કેલ બનશે

- અદાણી પાવર, યશ બેંક, સુઝલોન, પેટીએમ સહિતના શેરો પડતા મુકાયા

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
NSE ખાતે ગીરો તરીકે સ્વિકાર્ય શેરોની યાદીમાં 1000થી વધુનો ઘટાડો 1 - image


મુંબઈ, અમદાવાદ : નાના ઈન્વેસ્ટરો, રિટેલ ટ્રેડરોના હિત રક્ષણ માટે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ ( એફ એન્ડ ઓ)માં ટ્રેડીંગને આ વર્ગ માટે નિરૂત્સાહી અને મુશ્કેલ બનાવવા મૂડી બજાર નિયામક તંત્ર સેબી સજાગ  બની લોટ સાઈઝમાં ધરખમ વધારો કરવાની તજવીજમાં છે ત્યારે હવે એક્સચેન્જો પણ એફ એન્ડ ઓ ટ્રેડીંગને વધુ મુશ્કેલ બનાવવાના સાથે સુરક્ષિત કરવા પગલાં લેવા લાગ્યા છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) દ્વારા ઈન્ટ્રા-ડે અથવા ડેરિવેટીવ્ઝ ( એફ એન્ડ ઓ) માટે ગ્રાહકો દ્વારા જરૂરી માર્જિન માટે ગીરો તરીકે માન્ય શેરો-સિક્યુરિટીઝની યાદીમાં ૧૦૦૦ જેટલો ઘટાડો કર્યો છે.

એનએસઈ ક્લિયરીંગ કોર્પોરેશન દ્વારા પ્રમાણમાં ઓછી ટ્રેડેડ અથવા હાઈ ઈમ્પેક્ટ કોસ્ટ ધરાવતી ૧૦૧૦ સિક્યુરિટીઝને ૧૭૩૦ માન્ય સિક્યુરિટીઝની યાદીમાંથી દૂર કરી છે. જેથી હવે આ ૧૦૧૦ સિક્યુરિટીઝને કોલેટરલ તરીકે સ્વિકારાશે નહીં. જેનાથી હવે એફ એન્ડ ઓ અને ઈન્ટ્રા-ડે ટ્રેડરો માટે સિક્યુરિટીઝ ગીરવે મૂકવાની મર્યાદા આવી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, યાદીમાંથી દૂર કરાયેલી ૨૫ જેટલી સિક્યુરિટીઝ દરેક રૂ.૨૦,૦૦૦ કરોડથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવે છે. જે ઊંચુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવે છે અને યાદીમાંથી દૂર કરાઈ છે એ સ્ક્રિપોમાં અદાણી પાવર, યશ બેંક, સુઝલોન, પેટીએમ વન૯૭ કોમ્યુનિકેશન, હુડકો, ભારત ડાયનામિક્સ, ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ અને અન્ય ઘણી સ્ક્રિપોનો સમાવેશ છે.

એનએસઈ દ્વારા સર્કયુલરમાં જણાવાયું છે કે, ક્લિયરીંગ એકમ હવે  પાછલા છ મહિનામાં ૯૯ ટકા દિવસોમાં ટ્રેડીંગ થયેલી હોય અને રૂ.૧ લાખના ઓર્ડર મૂલ્ય માટે ૦.૧ ટકા સુધી જ ઈમ્પેક્ટ કોસ્ટ ધરાવતી હોય એ શેરો જ કોલેટરલ તરીકે ૧, ઓગસ્ટ ૨૦૨૪થી મંજૂર કરશે અને સ્વિકારશે. 

શેરબજારમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કરવા માટે કે વાયદા બજારના સોદા માટે પોર્ટફોલિયોના શેર ગીરવે મુકવાનું ચલણ આજકાલ ખૂબ વધ્યું છે.

 શેરને ગીરવે મુકીને માર્જિન ઉભું કરવામાં આવે છે અને તેને આધારે શેર ખરીદવામાં કે વાયદા બજારમાં સોદા કરવામાં આવે છે. જો ગીરવે મુકેલા શેરના ભાવ ઘટે તો વધુ શેર કોલેટ્રોલ કરવા પડે છે અથવા તો લીધેલો માલ વેચાઈ જવાનો ડર રહે છે.

 બજારમાં હાલ વેલ્યુએશનને લઈને ખૂબ જ ચિંતા છે અને નાના શેરમાં જોવા મળતી ગાંડીતૂર સુનામીના પાણી ઓસરશે તો રોકાણકારોના હાલ બેફાલ થવાની ભીતિ પણ છે તેથી તકેદારીનારૂપે એનએસઈએ શેર પ્લેજના નિયમો કડક કર્યા છે.

એનએસઈ ક્લિયરિંગ લિમિટેડ હવે ઓછી ટ્રેડિંગ એક્ટિવિટી અથવા ઈમ્પેકટ કોસ્ટ ઉંચી ધરાવતી સિક્યોરિટીઝને ક્લિયર કરશે નહીં. આ ફેરફાર કોલેટરલ તરીકે ગીરવે મૂકી શકાતા ૧૭૩૦ શેરમાંથી ૧૦૧૦ સિક્યોરિટીઝને દૂર કરશે. બજાર નિષ્ણાંતોના મતે માર્જિન ટ્રેડિંગ સુવિધા હાલમાં રૂ. ૭૩,૫૦૦ કરોડની છે અને અંદાજે ૧૫-૨૦ ટકા ફટકો પડી શકે છે.


Google NewsGoogle News