18000 બનાવટી કંપની, 25000 કરોડની છેતરપિંડી... દેશમાં ટેક્સ ચોરીના બીજા મોટા કૌભાંડનો પર્દાફાશ
GST Fraud : વર્ષ 2017માં જીએસટીનો નવો ટેક્સ કાયદો લાગુ થયા બાદ ટેક્સ ચોરો છેતરપિંડી કરવા માટે નવા-નવા કાવાદાવાઓ કરી રહ્યા છે. તો બીજીતરફ ટેક્સ અધિકારીઓ પણ આવા કૌભાંડ પકડી પાડવા સતત ધ્યાન આપી રહ્યા છે. આ જ ક્રમમાં ટેક્સ અધિકારીઓએ ટેક્સ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ટેક્સ ચોરોએ 18000 બોગસ કંપનીઓ ઉભી કરી 25000 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓએ GST હેઠળ રજીસ્ટર્ડ થયેલી 18000 બનાવટી કંપનીઓને ઓળખી કાઢી છે અને આ કંપનીઓ લગભગ રૂપિયા 25000 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ હોઈ શકે છે.
ટેક્સ વિભાગની 73000 કંપનીઓ સામે તપાસ
દેશમાં જીએસટીનો કાયદો લાગુ થયા બાદ આવી છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે, તો ટેક્સ વિભાગ પણ આવા તત્વોને પકડી પાડવા કમર કસી અભિયાનો ચલાવી રહી છે. ટેક્સ વિભાગે આવું જ અભિયાન હાથ ધરી 73000 કંપનીઓની ઓળખ કરી છે. વિભાગને આશંકા હતી કે, આ કંપનીઓ કોઈ પણ વાસ્તવિક માલ વેચ્યા વિના માત્ર ‘ઈનપુટ ટેક્સ ક્રેડિટ’ (ITC)નો લાભ મેળવવા માટે સ્થપાઈ છે અને કંપનીઓ આવું કરીને સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડી રહી છે.
આ પણ વાંચો : મોંઘવારી સામે લડવા કેન્દ્ર સરકારનો જોરદાર પ્લાન! ફરી સસ્તા દરે વહેંચશે લોટ અને ચોખા
73000 કંપનીની તપાસમાં 18000 કંપની બનાવટી નીકળી
ટેક્સ વિભાગે કહ્યું કે, બનાવટી રજીસ્ટ્રેશન પકડી પાડવાના બીજા રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ 73000 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓળખ નંબર (GSTIN)ની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 18000 કંપનીઓનું અસ્તિત્વમાં ન હોવાનો ખુલાસો થયો છે. આ બનાવટી કંપનીઓ 24550 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ હતી. તપાસ અભિયાન હેઠળ કેટલીક કંપનીઓએ સ્વૈચ્છિક 70 કરોડ રૂપિયાની જીએસટી ચૂકવણી કરી છે.
અગાઉ 21791 બનાવટી કંપનીઓ ઓળખી કઢાઈ હતી
ટેક્સ વિભાગ બનાવટી કંપનીઓ ઓળખી કાઢવા અને કાર્યવાહી કરાવ માટે સતત કામગીરી કરી રહી છે. ટેક્સ વિભાગ દ્વારા 16 ઓગસ્ટથી ઓક્ટોબરના અંત સુધી બીજું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવાયું હતું, જેમાં 18000 બનાવટી કંપનીઓની ઓળખ થઈ છે. આ પહેલા ટેક્સ વિભાગે ગત વર્ષે 16 મેથી 15 જુલાઈ સુધી અભિયાન ચલાવી 21791 બનાવટી કંપનીઓ ઓળખી કાઢી હતી, જેમાં 24010 કરોડ રૂપિયાની શંકાસ્પદ ટેક્સ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો : બેન્કો દ્વારા આપવામાં આવતી લોકર સેવાના નિયમો બદલાયા, હવે ચૂકવવું પડશે આટલું ભાડું