સોનામાં 'બુલ રન', પ્રથમ વખત 70500ની સપાટી કૂદાવી સર્જ્યો ઈતિહાસ, ચાંદીમાં પણ મોટો ઉછાળો

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
સોનામાં 'બુલ રન', પ્રથમ વખત 70500ની સપાટી કૂદાવી સર્જ્યો ઈતિહાસ, ચાંદીમાં પણ મોટો ઉછાળો 1 - image


- વૈશ્વિક સોનું 35 ડોલર વધી 2229.87 ડોલર

- અમદાવાદ સોનું રૂ. 1,000 ઉછળી 70,500 જ્યારે અમદાવાદ ચાંદી રૂ. 1,500 ઉછળી 75,500ની ટોચ પર

અમદાવાદ : યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ચાલુ વર્ષે વ્યાજદરમાં ત્રણ વખત ઘટાડો કરવાના સંકેત પાછળ ડોલરના ભાવમાં આગેકૂચ જળવાઈ રહેતા તેની સીધી અસર વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનું ૩૫ ડોલર ઉછળી જતાં અત્રે અમદાવાદ સોના-ચાંદી બજારમાં લગ્નસરા ટાણે જ સોનાના ભાવમાં રૂ. ૧૦૦૦નો ઉછાળો નોંધાતા તે રૂ. ૭૦,૦૦૦ની સપાટી કૂદાવી રૂ. ૭૦,૫૦૦ની વિક્રમી ટોચે પહોંચી ગયું હતું. સોના પાછળ આજે ચાંદીમાં પણ રૂ. ૧,૫૦૦નો ઉછાળો નોંધાતા તે રૂ. ૭૫,૫૦૦ની સપાટીએ પહોંચી હતી.

ફેડરલ રિઝર્વના દર ઘટાડાના સંકેત સતત ઊંચો ફુગાવો તેમજ ભૌગોલિક રાજકીય તાણ પાછળ ડોલરમાં સુધારાની ચાલ જળવાઈ રહેતાં વિશ્વ બજારમાં આજે સોનામાં  નવું ઉંચુ લેવલ જોવા મળ્યું હતું. વૈશ્વિક સોનું આજે ૩૫ ડોલર ઉછળી ૨,૨૨૯.૮૭ ડોલરની ઉંચી સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી ૨૪.૯૬ ડોલર રહી હતી. વિશ્વ બજારના આ ઉછાળાની સ્થાનિક સોના- ચાંદી બજાર પર અસર જોવા મળી હતી. 

 ગુડ ફ્રાઇડેના કારણે  બેંક હોલી-ડે હોવાના કારણે કરન્સી બજાર બંધ હોવા છતાં  આ અહેવાલો પાછળ અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું (૯૯.૯) રૂ. ૧,૦૦૦ ઉછળીને રૂ. ૭૦,૫૦૦ મુકાતું હતું. જ્યારે સોનું (૯૯.૫) પણ રૂ. ૧,૦૦૦ વધીને રૂ. ૭૦,૩૦૦ની સપાટીએ રહ્યું હતું. હોલમાર્ક દાગીના રૂ. ૬૯,૦૯૦ની સપાટીએ રહ્યા હતા. બીજી તરફ આજે ચાંદી રૂ. ૧,૫૦૦ ઉછળીને રૂ. ૭૫,૫૦૦ની ઉંચી સપાટીએ પહોંચી હતી. 

મુંબઈ બુલિયન બજાર ગુડ ફ્રાઇડેના કારણે સત્તાવાર બંધ હોવા છતાં ઉપરોક્ત અહેવાલો પાછળ બંધ બજારે સોનું રૂ. ૧,૦૦૦ ઉછળીને રૂ. ૬૮,૨૫૦ મુકાતું હતું. જ્યારે ચાંદી વધીને રૂ. ૭૪,૫૫૦ મુકાતી હતી.

બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય પરિસ્થિતિ વકરતા તેની સીધી અસર સોનાના ભાવ પર જોવા મળી છે. તો બીજી તરફ વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા પણ તેમના સોનાના ભંડારમાં સતત વધારો કરી રહી હોવાના અહેવાલોની પણ કિંમતી ધાતુ પર અસર જોવા મળી હતી. જોકે, ફેડરલના વ્યાજદર કપાતના સંકેતોથી બુલિયન બજારમાં વોલેટાલિટીનું પ્રમાણ ઉંચુ રહેવા પામ્યું છે. 

બેંક હોલી-ડે નિમિત્તે આજે કરન્સી બજાર બંધ હોવા છતાં ખાનગીમાં રૂપિયા સામે ડોલર સાધારણ નબળો રહી ૮૩.૩૪ બોલાતો હતો. ગુરૂવારની સરખામણીએ તેના ભાવમાં ૬ પૈસા નીચા ક્વૉટ થતા હતા.  બીજી તરફ વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. આગામી સપ્તાહે તેલ ઉત્પાદક દેશોની મળનાર બેઠક પર બજારની નજર મંડાયેલી છે. આજે નાયમેક્સ ક્રૂડ પ્રતિ બેરલ ૧.૮૦ ડોલર વધીને ૮૩.૮૭ ડોલર રહ્યું હતું જ્યારે બ્રેન્ટ ક્રૂડ બેરલદીઠ ૮૭ ડોલરની સપાટીએ રહ્યું હતું.

Gold

Google NewsGoogle News