હિન્ડેનબર્ગના આરોપો પર કોટક મહિન્દ્રાએ આપ્યો જવાબ; તે આ બાબતથી વાકેફ નથી
Kotak Mahindra bank Clarification Of Hindenburg Alleged: અમેરિકી શોર્ટ સેલર હિન્ડેનબર્ગે માર્કેટ રેગ્યુલેટર સેબીની શો-કોઝ નોટિસનો જવાબ આપતાં તેના પાર્ટનર ઈન્વેસ્ટર સાથે દેશની ટોચની ખાનગી બેન્ક સંડોવાયેલી હોવાનો દાવા અંગે કોટક મહિન્દ્રા બેન્કે સ્પષ્ટતા વ્યક્ત કરી છે કે, હિન્ડેનબર્ગ રિસર્ચ ક્યારેય કોટક ગ્રૂપના K- ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લિમિટેડ (KIOF) અને કોટક મહિન્દ્રા ઈન્ટરનેશનલ લિમિટેડ (KMIL) નું ક્લાયન્ટ નહોતું અને ફંડ તેના કોઈ પણ ઈન્વેસ્ટર પાર્ટનર હિન્ડેનબર્ગ સાથે જોડાયેલા હોવાની બાબતથી વાકેફ નથી.
હિન્ડેનબર્ગનો અદાણી સ્ટોક્સ સામે નવો આરોપ, સેબીની નોટિસના જવાબમાં ટોચની બેન્કની સંડોવણીનો દાવો
યુએસ શોર્ટ સેલર હિન્ડેબર્ગે સેબીની નોટિસનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, ઉદય કોટકની કોટક મહિન્દ્રા બેન્કે અદાણી ગ્રુપના શેર્સમાં શોર્ટ સેલિંગ કરવા તેના ઈન્વેસ્ટર પાર્ટનરની મદદથી ઓફશોર ફંડની રચના કરી હતી અને તેના પર દેખરેખ રાખતી હતી. જેના જવાબમાં કોટક મહિન્દ્રા ઈન્ટરનેશનલ લિમિટેડ અને KIOFએ નિવેદન આપ્યું છે કે, તેની ફર્મનો કોઈપણ ક્લાયન્ટ હિન્ડેનબર્ગ સાથે ક્યારેય જોડાયેલો હતો જ નહીં.
KMILને ફંડના રોકાણકાર તરફથી ખાતરી અને જાહેરાત પણ પ્રાપ્ત થી ચૂકી છે, જેમાં તેનું પ્રિન્સિપલ ધોરણે રોકાણ કરવામાં આવ્યું હતું અને અન્ય કોઈ વ્યક્તિ વતી નહીં. K- ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લિ. (KIOF)એ સેબીમાં રજિસ્ટર્ડ વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર છે અને તે મોરિશિયસના નાણાકીય સેવા આયોગ દ્વારા નિયંત્રિત છે. વિદેશી ગ્રાહકો ભારતમાં રોકાણ કરી શકે તે માટે ફંડની સ્થાપના 2013માં કરવામાં આવી હતી.
નિવેદનમાં જણાવ્યું હતું કે, “ફંડ ક્લાયંટને ઓનબોર્ડ કરતી વખતે યોગ્ય KYC પ્રક્રિયાઓનું પાલન કરે છે અને તેના તમામ રોકાણો તમામ લાગુ કાયદાઓ અનુસાર કરવામાં આવે છે. અમે અમારી કામગીરીના સંબંધમાં રેગ્યુલેટરને સહકાર આપવા તૈયાર છીએ અને આગળ પણ આપતાં રહીશું.”