હિન્ડેનબર્ગનો અદાણી સ્ટોક્સ સામે નવો આરોપ, સેબીની નોટિસના જવાબમાં ટોચની બેન્કની સંડોવણીનો દાવો
Hindenburg Reply On Sebi Show Cause Notice: અમેરિકાની શોર્ટ સેલિંગ ઈન્વેસ્ટર હિન્ડેનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપના શેર્સમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આરોપ મામલે જાન્યુઆરી, 2024માં સુપ્રીમ કોર્ટની રાહત બાદ માર્કેટ રેગ્યુલેટર સેબીએ હિન્ડેનબર્ગને શો કોઝ નોટિસ પાઠવી હતી. જેના જવાબમાં હિન્ડેનબર્ગે દેશની ટોચની ખાનગી બેન્કની સંડોવણી હોવાનું વધુ એક નવુ પત્તુ ખોલ્યુ છે.
હિન્ડેનબર્ગે સેબીની શો-કોઝ નોટિસનો જવાબ આપતાં કટાક્ષ કર્યો છે કે, ભારતની માર્કેટ રેગ્યુલેટર આ કેસની તપાસમાં કોટક બેન્કનું નામ શોધવામાં કેમ નિષ્ફળ રહી. જ્યારે સેબીએ અમને શોકોઝ નોટિસ પાઠવી પોતે ન્યાયપૂર્ણ તપાસ કરી હોવાનો દાવો કરી રહી છે, ત્યારે તે તપાસમાં વાસ્તવિક જોડાણ ધરાવતા પક્ષનું નામ જાહેર કરવામાં નિષ્ફળ કેમ ગઈ. હિન્ડેનબર્ગે ટોચની ખાનગી બેન્કમાં સામેલ કોટક મહિન્દ્રા બેન્કે અદાણી સ્ટોક્સના શોર્ટ સેલિંગ માટે ઓફશોર ફંડ બનાવી તેના પર દેખરેખ રાખી હોવાનો આરોપ મૂક્યો છે. જેણે અમારા ઈન્વેસ્ટર પાર્ટનર સાથે મળી અદાણીના સ્ટોક્સ પર દાવ લગાવવા ઓફશોર ફંડ સ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું હતું. જેને K-India ઓપોર્ચ્યુનિટીઝ ફંડનું નામ આપ્યું અને 'KMIL'ના ટૂંકાક્ષર સાથે 'કોટક' નામનો ઢાંકપિછોડો કર્યો હતો.”
હિન્ડેનબર્ગનો વધુ નવો આરોપ
હિન્ડેનબર્ગે સેબી પર વધુ એક નવો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, કદાચ સેબી બિઝનેસમેનને કાયદાકીય પ્રક્રિયાથી દૂર કરવા માંગતી હશે, જેથી તેણે નામ જાહેર કર્યુ નથી. બેન્કના ફાઉન્ડર ઉદય કોટક 2017માં કોર્પોરેટ ગવર્નન્સ પર સર્જાયેલી સેબીની કમિટીનું નેતૃત્વ કરતાં હતા. અમને શંકા છે કે, સેબીએ જાણી જોઈને કોટકનું કે કોટકના અન્ય બોર્ડ સભ્યનું નામ જાહેર કર્યુ નથી. જેનાથી સેબીની ભૂમિકા પણ ખરડાઈ જવાની શક્યતા છે.
કોટક બેન્કે હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી
કોટક બેન્કના પ્રવક્તાએ હિન્ડેનબર્ગના આ આરોપો અંગે હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી. સેબીએ અમેરિકા સ્થિત હિન્ડેનબર્ગ રિસર્ચને અદાણી વિરૂદ્ધ ખોટો રિપોર્ટ રજૂ કરવા સંબંધિત શો કોઝ નોટિસ પાઠવી હતી. જેનો 2 જુલાઈએ બ્લોગ પોસ્ટ દ્વારા હિન્ડેનબર્ગે જવાબ આપ્યો હતો. 46 પાનાની શો કોઝ નોટિસ 27 જૂનના રોજ પાઠવવામાં આવી હતી. જેમાં હિન્ડેનબર્ગ પર ઓફશોર ફંડ સ્ટ્રક્ચર મારફત અદાણી ડેરિવેટિવ્ઝમાં પરોક્ષ રીતે (ઈન્વેસ્ટર પાર્ટનર) શોર્ટ સેલિંગ કર્યું હોવાનો આરોપ મૂકાયો હતો.
હિન્ડેનબર્ગના રિપોર્ટથી અદાણીના શેર્સ 70 ટકા તૂટ્યા હતા
ગતવર્ષે 24 જાન્યુઆરી, 2023ના રોજ હિન્ડેનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ કંપનીઓના શેર્સમાં ગેરરીતિઓ આચરી કુત્રિમ રીતે તેજી સર્જી હોવાનો આરોપ મૂકતો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેના લીધે અદાણી ગ્રુપના શેર્સ 70 ટકા સુધી તૂટ્યા હતા. જો કે, સેબીની તપાસમાં કોઈ ગેરરીતિ થઈ હોવાનો પુરાવો મળી ન આવતાં સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રૂપને રાહત આપી હતી.