ફ્રન્ટ રનિંગની આશંકા, SEBIએ જાણીતા મ્યુચ્યુઅલ ફંડ સામે કરી તાબડતોબ કાર્યવાહી, રોકાણકારોને શું થશે અસર?
Quant Mutual Fund Front-Running Case News All Details: માર્કેટ રેગ્યુલેટર સેબીએ રૂ. 93000 કરોડની એયુએમ ધરાવતી ક્વૉન્ટ મ્યુચ્યુઅલ ફંડ પર ફ્રન્ટ રનિંગની શંકાના આધારે સંકજો કસ્યો છે. હૈદરાબાદ સ્થિત સંદિપ ટંડનની ક્વૉન્ટ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ પગલાંના આધારે આજે શેરબજારમાં પણ શુષ્ક માહોલ જોવા મળ્યો છે. આવો જાણીએ ફ્રન્ટ રનિંગ શું છે તેની રોકાણકારો પર શું અસર થશે.
ફ્રન્ટ રનિંગનો અર્થ
મ્યુચ્યુઅલ ફંડમાં ફ્રન્ટ રનિંગ ગેરકાયદેસર છે. જે હેઠળ બ્રોકર કે ડીલરને આગામી સમયમાં થનારા કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્જેક્શન વિશે માહિતી મળી જાય છે, જેનો તેઓ લાભ ઉઠાવે છે. મ્યુચ્યુઅલ ફંડ ડીલર્સ મધ્યસ્થી મારફત શેર્સની લે-વેચ કરે છે. જેમાં મધ્યસ્થીને અગાઉથી જ સોદા વિશે માહિતી મળી જતી હોવાથી તેઓ તેનો લાભ ઉઠાવે છે.
આ રીતે ફ્રન્ટ રનિંગ થાય છે
જ્યારે મ્યુચ્યુઅલ ફંડ જેવા સંસ્થાકીય રોકાણકારો શેર્સની ખરીદી માટે બજારમાં એન્ટ્રી કરે તેની થોડી ક્ષણો પહેલાં જ મધ્યસ્થીઓ તે શેર્સની ખરીદી કરી લે છે. અને જ્યારે મ્યુચ્યુઅલ ફંડ તે શેર ખરીદે છે, ત્યારે તેના ભાવમાં ઉછાળોનો લાભ મધ્યસ્થી લે છે. વધુમાં જ્યારે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ શેર્સ વેચવાની યોજના બનાવે છે, ત્યારે આ મધ્યસ્થીઓ તેમના ઓર્ડરની પહેલાં જ શોર્ટ સેલ કરી નફો બુક કરે છે. ઉલ્લેખનયી છે, તેઓ આ ટ્રેડિંગ પોતાના એકાઉન્ટની કરતાં હોતા નથી, પરંતુ એસોસિએટ્સના એકાઉન્ટ મારફત આ ટ્રાન્જેક્શન કરે છે.
રોકાણકારો પર શું અસર કરે છે?
ફ્રન્ટ-રનિંગ રોકાણકારો પર નકારાત્મક અસર કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે મધ્યસ્થીઓ આવા ઓર્ડર આપે છે, ત્યારે શેરની હિલચાલને કારણે રોકાણકારોને નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ મોટી સંખ્યામાં શેર ખરીદવા જઈ રહ્યું હોય, તો મધ્યસ્થીઓ પોતે મોટી સંખ્યામાં શેર ખરીદે છે. આના કારણે મ્યુચ્યુઅલ ફંડને મોંઘા ભાવે શેર મળે છે, જેના કારણે રોકાણકારોના રિટર્નમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. આમ, મ્યુચ્યુઅલ ફંડના વેચાણ સમયે પણ જો શેર ઓછા ભાવે વેચવા પડે તો ઓછું રિટર્ન મળે છે.
Quant Mutual Fund કેસની રોકાણકારો પર અસર
ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ છેલ્લા ત્રણ વર્ષમાં ટોચનું પ્રદર્શન કરતા મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં સ્થાન ધરાવે છે. તેની એયુએમ જાન્યુઆરી 2020માં રૂ. 258 કરોડથી વધીને જૂન 2024માં રૂ. 90 હજાર કરોડ થઈ હતી. ફ્રન્ટ-રનિંગ કેસમાં સેબીની તપાસ અંગે માર્કેટ નિષ્ણાતે જણાવ્યું છે કે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્મોલ અને મિડકેપ ફંડ્સ, અને લાર્જ કેપ્સમાં નોંધપાત્ર એક્સપોઝર ધરાવે છે. બંને ફંડમાં લગભગ 10-10 ટકા રોકાણ ફક્ત રિલાયન્સમાં જ છે. આવી સ્થિતિમાં, જો ઉપાડની સંભાવના સર્જાઈ તો પણ લિક્વિડિટી પર કોઈ અસર થશે નહીં. સ્મોલ અને મીડ કેપ શેર્સમાં થોડા સમય માટે વેચવાલીનું પ્રેશર જોવા મળી છે. વધુમાં ફંડનું પ્રદર્શન પણ થોડું સુસ્ત રહી શકે છે.