Get The App

અજબ-ગજબ: ભારતમાં ટ્રેન અકસ્માતની તપાસ નાગરિક ઉડ્ડયન મંત્રાલય કરે છે, જાણો કારણ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
અજબ-ગજબ: ભારતમાં ટ્રેન અકસ્માતની તપાસ નાગરિક ઉડ્ડયન મંત્રાલય કરે છે, જાણો કારણ 1 - image


Kanchanjunga Express Accident : પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં સોમવારે સવારે કાંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર પાછળથી તેજ ઝડપે આવી રહેલી એક માલગાડીએ ટક્કર મારતા કાંચનજંગા એક્સપ્રેસના પાછળના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અત્યાર સુધીમાં 10 લોકોના મોત અને 50 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત કેવી રીતે થયો તેનો જવાબ મેળવવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ થશે. આપણો સામાન્ય અભિપ્રાય એવો જ છે કે રેલવે મંત્રાલય રેલવે અકસ્માતોની તપાસ કરશે પરંતુ આ હકીકત નથી. આપને જાણીને નવાઈ લાગશે કે તમામ રેલવે અકસ્માતોની તપાસ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે.

વિભાગીય તપાસ સમિતિ અને રેલવે સુરક્ષા કમિશનર રેલવે અકસ્માતોના કારણોની તપાસ કરતી મુખ્ય એજન્સીઓ છે. આ એજન્સીઓ રેલવે મંત્રાલયને નહીં પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એટલેકે સિવિલ એવિયેશન ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરે છે. ગત વર્ષે ઓડિશામાં થયેલા ભયાનક રેલવે અકસ્માતની તપાસની જવાબદારી પણ આ એજન્સીને સોંપવામાં આવી હતી.

રેલવે સુરક્ષા કમિશન

ઉત્તર પ્રદેશના લખનૌમાં હેડકવાર્ટર ધરાવતું કમિશન ઓફ રેલવે સેફ્ટી (CRS) નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે. કમિશનર ઓફ રેલવે સેફ્ટી તેના વડા છે. CRS રેલવે અધિનિયમ, 1989 હેઠળ રેલવે મુસાફરી અને કામગીરીની સલામતીને લગતી બાબતો સાથે વ્યવહાર કરે છે. ગંભીર ટ્રેન અકસ્માતોની તપાસ તેની મુખ્ય જવાબદારીઓમાંની એક છે. આ ઉપરાંત કમિશન રેલવે સુરક્ષામાં સુધારો કરવા માટે સરકારને ભલામણો પણ કરે છે.

તપાસ અધિકારી નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાંથી કેમ?

રેલવે સુરક્ષાની તપાસ કરનાર અધિકારીને આઝાદી બાદ પ્રથમ વખત રેલવે મંત્રાલયના નિયંત્રણમાંથી હટાવી દેવામાં આવ્યા છે. વાસ્તવમાં તત્કાલીન સરકારે ભારતમાં રેલવેના બાંધકામ અને સંચાલન પર અસરકારક નિયંત્રણ મેળવવા માટે કન્સલ્ટિંગ એન્જિનિયરોની નિમણૂક કરી હતી. 1883માં તેમની પોસ્ટને વૈધાનિક માન્યતા આપવામાં આવી હતી. પાછળથી કન્સલ્ટીંગ એન્જીનિયરો ભાગ હતા તેવા રેલવે નિરીક્ષકને 1905માં સ્થપાયેલ રેલવે બોર્ડને આધીન કરવામાં આવ્યું હતું.

1935ના ભારત સરકારના અધિનિયમમાં પ્રથમ વખત એવી જોગવાઈ કરવામાં આવી હતી કે અકસ્માતોના કારણોની તપાસ સહિત પ્રવાસી જનતાની સલામતી સુનિશ્ચિત કરવા માટે સેન્ટ્રલ રેલવે બોર્ડથી અલગ એક સ્વતંત્ર ઓથોરિટીની નિમણૂક કરવી જોઈએ. 1939માં રચાયેલી એક રેલવે કમિટીએ પણ રેલવે બોર્ડથી અલગ આવી એક સત્તા ઉભી કરવાની વાત મુકી હતી.

આખરે,મે 1941માં રેલવે નિરીક્ષક (Railway Inspectorate)ને  રેલવે બોર્ડમાંથી દૂર કરવામાં આવ્યું અને "પોસ્ટ અને એર" વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યું. ત્યારથી રેલવે નિરીક્ષણને સતત નાગરિક ઉડ્ડયનનો પોર્ટફોલિયો ધરાવતા મંત્રાલય હેઠળ મૂકવામાં આવે છે. વર્ષ 1961માં તત્કાલીન રેલવે નિરીક્ષકનું નામ બદલીને રેલવે સુરક્ષા કમિશન કરવામાં આવ્યું હતું.

કમિશનર ઓફ રેલવેની જવાબદારીઓ અને સત્તાઓ :

રેલવે અધિનિયમ 1989ના ચેપ્ટર-IIIમાં રેલવે સુરક્ષા કમિશ્નરની જવાબદારીઓ જણાવવામાં આવી છે. આ અંતર્ગત તેમનું કામકાજ-

* રેલવેનું નિરીક્ષણ કરવું અને મુસાફરોના જાહેર વાહન માટે યોગ્ય છે કે કેમ, તે નક્કી કરવું. આ કાયદા હેઠળ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

* કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ કોઈપણ રેલવે અથવા તેના પર ઉપયોગમાં લેવાતા કોઈપણ રોલિંગ સ્ટોકનું નિરીક્ષણ કરવું.

* કોઈપણ રેલવે અકસ્માતના કારણની તપાસ કરવી.

રેલવે અધિનિયમ 1989માં કમિશનર ઓફ રેલવે સેફટીની સત્તાઓની પણ જોગવાઈ છે, જે નીચે મુજબ છે-

* કોઈપણ રેલવે પરિસરમાં પ્રવેશવા અને તેનું નિરીક્ષણ કરવું.

* કોઈપણ વ્યક્તિનું નિવેદન લેવું.

* કોઈપણ વ્યક્તિને કોઈપણ દસ્તાવેજ અથવા રેકોર્ડ રજૂ કરવા આદેશ આપવો.

* કોઈપણ રેલવે લાઈન અથવા સ્ટેશનને બંધ કરવાનો આદેશ આપવો.



Google NewsGoogle News