Paytm માં જાપાની ઈન્વેસ્ટરનો હતો મોટો હિસ્સો, 50% ના કડાકા પહેલાં જ તેણે વેચી માર્યો!
SoftBank પાસે Paytmમાં 18.5 ટકા હિસ્સો હતો, હવે ફક્ત 5 ટકા રહ્યો
image : IANS |
Softbank Paytm Stake News : ભારતીય રિઝર્વ બેંક (RBI) ની તાજેતરની કાર્યવાહી બાદ ફિનટેક શેર પેટીએમ (Paytm) ની કિંમત સતત ઘટી રહી છે. આજે શુક્રવારે પણ Paytmના શેરમાં આજે પણ 7 ટકા જેટલો કડાકો બોલાઈ ચૂક્યો છે. ત્યારે એક બાબત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે અને તે છે પેટીએમના તાજેતરના 50 ટકાના ક્રેશ પહેલા જાપાની રોકાણકાર સોફ્ટબેંક દ્વારા તેનો હિસ્સો ઘટાડવો. સોફ્ટબેંકે હવે તેનું કારણ સમજાવ્યું છે.
સોફ્ટબેંકના ફાયનાન્સ ચીફે જણાવ્યું કારણ
સોફ્ટબેંકે તાજેતરમાં પેટીએમમાંતેનો મોટાભાગનો હિસ્સો વેચી દીધો હતો. રિઝર્વ બેંકે 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પેમેન્ટ બેંક સામે કાર્યવાહી કરી હતી. તે પહેલા જ સોફ્ટબેંક દ્વારા પેટીએમના શેર વેચી દેવાયાનો ખુલાસો ગયો છે. અહેવાલ અનુસાર સોફ્ટબેંકનું કહેવું છે કે તેને ભારતના નિયમનકારી વાતાવરણમાં અનિશ્ચિતતાની અપેક્ષા હતી. આ ઉપરાંત તેને પેટીએમ પેમેન્ટ્સ બેંકના લાયસન્સ અંગે પણ શંકા હતી.
ફાયનાન્સ ચીફ શું બોલ્યાં?
સોફ્ટબેંકના ફાયનાન્સ ચીફ નવનીત ગોવિલે જણાવ્યું કે, અમને લાગ્યું કે મનીટાઈઝ શરૂ કરવું યોગ્ય રહેશે. અમે ખુશ છીએ કે Paytm શેરમાં તાજેતરના ક્રેશ પહેલા અમે યોગ્ય હિસ્સો વેચીને બહાર નીકળી ગયા. ઉલ્લેખનીય છે કે પેટીએમ સામે આરબીઆઇની કાર્યવાહી બાદ તેના સ્ટોક્સમાં સતત બે દિવસ 20 ટકાની લૉઅર સર્કિટ બાદ 10 ટકાની પણ લૉઅર સર્કિટ લાગી હતી જેના લીધે શેરની કિંમતો 50 ટકા સુધી ગગડી ગઇ હતી.
સોફ્ટબેંકે કેટલો હિસ્સો ઘટાડ્યો
SoftBank એ Paytm માં રોકાણ કરનાર મોટા રોકાણકારો પૈકી એક છે. સોફ્ટબેંકે તેના IPO પહેલા જ Paytm માં મોટું રોકાણ કર્યું હતું. 2021માં IPO લોન્ચ થયો તે સમયે, SoftBank પાસે Paytmમાં 18.5 ટકા હિસ્સો હતો. સોફ્ટબેંક નવેમ્બર 2022થી જ Paytm ના શેરનું વેચાણ કરી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં છેલ્લી ઑફલોડિંગ પછી, Paytmમાં સોફ્ટબેંકનો હિસ્સો ઘટીને માત્ર 5 ટકા રહી ગયો છે.