સાઉદી અરબના બજારમાં બાંગ્લાદેશી મસાલાની માંગ વધતા ભારતને ટેન્શન
બાંગ્લાદેશે જુલાઈ-નવેમ્બર વચ્ચે ખાડી દેશોને 141 કરોડ રૂપિયાથી પણ વધુના મસાલાઓની નિકાસ કરી
સાઉદી અરબ બાંગ્લાદેશી મસાલાઓ માટે એક મોટું બજાર બન્યું
ભારતના મસાલા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને તેને ઘણા જ પસંદ કરવામાં આવે છે. ભારતને સ્પાઇસ કિંગ કહેવામાં આવે છે તેને કારણે ગ્લોબલ માર્કેટમાં ભારતના મસાલાઓની માંગ ઘણી વધારે છે. જોકે એક રિપોર્ટ સામે આવી છે જેનાથી ભારતને આંચકો લાગી શકે છે. ભારતના મસાલા દુનિયાના અન્ય દેશોમાં મોકલવામાં આવે છે જેમાં સાઉદી અરબ પણ એક મોટું ખરીદદાર છે.જોકે ભારતને હવે સાઉદી અરબમાં બાંગ્લાદેશ પાસેથી પણ જબરદસ્ત ટક્કર મળી રહી છે.
બાંગ્લાદેશના એક્સપોર્ટ પ્રમોશન બ્યુરોની રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશે આ વર્ષે જુલાઈ અને નવેમ્બર મહિના વચ્ચે ખાડી દેશોને 141 કરોડ રૂપિયાથી પણ વધુના મસાલાઓની નિકાસ કરી છે તેમાં અડધાથી વધુ કિંમતનો મસાલો એકલા સાઉદી અરબમાં જ મોકલ્યો છે. આ રીતે સાઉદી અરબ બાંગ્લાદેશી મસાલાઓ માટે એક મોટું બજાર બની રહ્યું છે.
બાંગ્લાદેશની ફૂડ કંપની બીડી ફૂડના એક્સપોર્ટ હેડ મોહમ્મદ સજાદુલ કરીમે જાણકારી આપી હતી કે સાઉદી અરબ ખાડી ક્ષેત્રમાં અમારો સૌથી મોટો નિકાસકાર દેશ છે. તેના બાદ સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન અને ઓમાનનો નંબર આવે છે.તેમણે જણાવ્યું હતું કે સાઉદી અરબમાં અમારા મસાલાઓની માંગ વધી રહી છે. આમારા તમામ ગ્રાહકો તાજેતરના વર્ષોમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનોનો ઉપયોગ કરી રહ્યા છે.અમારા મસાલા ભારતીય મસાલાઓને પાછળ છોડીને ખાડી દેશોના બજારોમાં પક્કડ જમાવી રહ્યા છે.
મોહમ્મદ સજાદુલ કરીમે જણાવ્યું હતું કે અમારી પાસે સાઉદી અરબમાં મસાલાઓનું એક કેપ્ટિવ બજાર છે કેમકે દેશમાં 26 લાખથી વધુ બાંગ્લાદેશી રહે છે. આ તમામ લોકો સાઉદી અરબમાં કામ કરે છે જે દેશના સૌથી મોટા પ્રવાસી શ્રમિક સંગઠનનો હિસ્સો છે. બાંગ્લાદેશની ફૂડ કંપની બીડી ફૂડ મુખ્ય રૂપથી હળદર મરચું, ધાણા જીરુના પાવડરનો નિકાસ કરે છે.