ITR Filling: ઈનકમ ટેક્સ ફાઈલ કરતી વખતે આ પદ્ધતિ અપનાવી કરમાં બચત કરો
ITR Filling: નાણાકીય વર્ષ 2023-24 માટેના આઈટીઆર ફાઈલ કરવાનું શરૂ થઈ ચૂક્યું છે. જેમાં ઘેરબેઠા જ અમુક ગણતરીઓ મારફત તમે ટેક્સમાં બચત કરી શકો છો. જો યોગ્ય રીતે ગણતરીઓના આધારે ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવામાં આવે અને ખર્ચ કરવામાં આવે તો રૂ. 12 લાખની વાર્ષિક આવક ધરાવતો વ્યક્તિ પણ ઝીરો ટેક્સ સ્લેબમાં સામેલ થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે...
2023-24 માટે 2.5 લાખની આવક પર કોઈ ટેક્સ નહિં
આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી બેઝિક કર માફીની મર્યાદાનો ઉપયોગ કરો. જેમાં તમે ટેક્સની જવાબદારી ઘટાડી શકો છો. નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય કરદાતાઓ માટે રૂ. 2.5 લાખ સુધી કર માફ છે. જેનો અર્થ એ થયો કે, તમારા પગારમાંથી રૂ. 2.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલવામાં આવશે નહિં. ધારો કે તમારી વાર્ષિક આવક રૂ. 15 લાખ છે, તો તેમાંથી રૂ. 2.5 લાખ અગાઉથી જ માફ થશે.
રોકાણો કરમુક્ત
બાદમાં આવકવેરા અધિનિયમની કલમ 80 સી અંતર્ગત પીપીએફ, ઈપીએફ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, ટેક્સ સેવિંગ્સ ફિક્સ્ડ ડિપોઝિટ, લાઈફ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, બાળકોની સ્કૂલ ટ્યુશન ફી સહિત વિવિધ રોકાણો કરો, જેમાં કર માફી મળે છે.
સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ
હાલમાં જ લોન્ચ સ્ટાન્ડર્ડ ડિડક્શન પગારદારો અને પેન્શનધારકોની ટેક્સેબલ આવકમાંથી રૂ. 50 હજાર બાદ કરે છે. આવકવેરા અધિનિયમની કલમ 24 (બી) હેઠળ રૂ. 2 લાખ સુધી હાઉસિંગ લોનના વ્યાજની ચૂકવણી પર માફી મળે છે.
HRAનો લાભ
હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)નો લાભ મળે છે, જેમાં તમે ભાડાના ઘરમાં રહેતા હોવ તો તે તમારા પગારમાંથી કપાય છે, તેમાં પણ કરમુક્તિનો લાભ મળે છે. નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં કરેલુ યોગદાન પણ કરમાંથી બાકાત છે.
લીવ ટ્રાવેલ એલાઉન્સ જેવા ભથ્થા પણ ટેક્સેબલ ઈનકમમાં ઘટાડો કરે છે. પોતાના, પરિવારમાં પત્નિ-બાળકો, માતાપિતા માટે પણ ચૂકવવામાં આવતું મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં પણ કર માફી મળે છે.
પરિણામે, ઉપરોક્ત તમામ ખર્ચાઓને આવકમાંથી બાદ કરતાં વાર્ષિક ચોખ્ખી આવક ઘટશે. વર્ષ દરમિયાન ઉપરોક્ત તમામ રોકાણો, કપાત, અને ટેક્સ ફ્રી કર્યા હોય તો ટેક્સેબલ ઈનકમ ઘણા કિસ્સામાં ઝીરો થઈ શકે છે. જો કે, પ્રત્યેક પગારદારની નાણાકીય સ્થિતિ જુદી-જુદી હોવાથી અને રોકાણોમાં ફેરફાર હોવાથી ટેક્સ પ્લાનિંગ માટે યોગ્ય વ્યૂહરચના ઘડવા નાણાકીય સલાહકારની સલાહ લઈ શકો છો.