આ વર્ગને 31 જુલાઈની ડેડલાઈન બાદ રિટર્ન ફાઈલ કરવા પર કોઈ પેનલ્ટી થશે નહીં
Image: FreePik |
ITR Filing: નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ યર 2024-25 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવુ આવશ્યક છે. જેની ડેડલાઈન 31 જુલાઈ છે. 31 જુલાઈ બાદ રિટર્ન ફાઈલ કરવા પર પેનલ્ટી ચૂકવવી પડશે. પેનલ્ટીનો દર રૂ. 1000થી શરૂ થાય છે. જો કે, અમુક વર્ગ એવો છે કે, જો તે 31 જુલાઈની ડેડલાઈન ચૂકી જાય તો પણ તેને પેનલ્ટી લાગૂ થશે નહીં.
ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે જે વ્યક્તિ ઝીરો ટેક્સ અર્થાત NIL રિટર્ન ભરતો હોય તેને કોઈ પેનલ્ટી લાગૂ થશે નહીં. જૂની ટેક્સ પદ્ધતિ અનુસાર, જેની વાર્ષિક આવક રૂ. 2.50 લાખ છે. તેને કોઈ પેનલ્ટી થશે નહીં.
વરિષ્ઠ નાગરિકો માટે પણ પેનલ્ટીમાં છૂટ
ઈનકમ ટેક્સ ફાઈલ કરનારા 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો રૂ. 3 લાખ સુધીની આવક મર્યાદામાં NIL રિટર્ન ફાઈલ કરે છે. તેમને પણ મોડેથી રિટર્ન ફાઈલ કરવામાં કોઈ પેનલ્ટી થતી નથી. વધુમાં 80 કે તેથી વયજૂથના નાગરિકો માટે ટેક્સ કપાત મર્યાદા રૂ. 5 લાખ છે. બીજી બાજુ નવી ટેક્સ પદ્ધતિ અનુસાર રૂ. 3 લાખ સુધીની આવક પર ટેક્સ છૂટનો લાભ મળે છે.
ટેક્સ સમયસર ભરવો હિતાવહ
ઉલ્લેખનીય છે, કે NIL રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓને 31 જુલાઈ બાદ પણ કોઈ પેનલ્ટી લાગૂ થતી નથી. પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે સમયસર ટેક્સ ફાઈલ કરવો આવશ્યક છે. 31 જુલાઈ પૂર્ણ થવાના આરે માત્ર એક મહિનો બાકી છે. જેથી જરૂરી ફોર્મ, બેલેન્સશીટ્સ અને દસ્તાવેજો એકત્ર કરી ઝડપી રિટર્ન ફાઈલ કરી ઝડપી રિફંડનો લાભ લઈ શકો છો.