Get The App

મોડા ITR ફાઈલ કરવા બદલ બે પ્રકારની પેનલ્ટી ચૂકવવી પડશે, જાણો કેટલો દંડ થઈ શકે

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
Penalty for ITR


ITR Filing: જો તમારી આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધુ છે તો ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. આ ઉપરાંત, કેટલીક પરિસ્થિતિઓ એવી છે જેમાં આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં ઓછી હોવા છતાં પણ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. પ્રશ્ન એ છે કે જો છેલ્લી તારીખ સુધીમાં ઈનકમ રિટર્ન ફાઈલ ન થાય તો શું થશે?

મોડા રિટર્ન ફાઇલ કરવાની પરવાનગી

આવકવેરાના નિયમો અનુસાર, જો કોઈ કરદાતા કોઈપણ કારણોસર છેલ્લી તારીખ સુધીમાં રિટર્ન ફાઈલ ન કરે તો તેને તે વર્ષની 31મી ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરવાની છૂટ છે. તેને બિલેટેડ રિટર્ન ફાઇલિંગ કહે છે. કરદાતાઓને બિલેટેડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવા બદલ પેનલ્ટી ચૂકવવી પડે છે. પેનલ્ટીની રકમ કરદાતાની વાર્ષિક આવક પર આધારિત છે.

કેટલી પેનલ્ટી ચૂકવવી પડશે

જો કરદાતાની વાર્ષિક આવક રૂ. 5 લાખ અથવા તેનાથી ઓછી છે, તો તેણે બિલેટેડ રિટર્ન ફાઇલ કરવા માટે રૂ. 1,000ની પેનલ્ટી ચૂકવવી પડશે. જો કરદાતાની વાર્ષિક આવક રૂ. 5 લાખથી વધુ હોય તો તેને રૂ. 5,000ની પેનલ્ટી ભરવી પડશે. આ સિવાય કરદાતાએ તેની કર જવાબદારી પર વ્યાજ પણ ચૂકવવું પડે છે. આ રીતે જો 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવામાં ન આવે તો બે પ્રકારના દંડની જોગવાઈ છે.

ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે

આવકવેરા અધિનિયમની કલમ 234A મુજબ, કરદાતાએ તેની કરની રકમ પર દર મહિને 1 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. કરદાતા રિટર્ન ફાઇલ કરે તે તારીખ સુધી વ્યાજની ગણતરી કરવામાં આવે છે. વ્યાજની ગણતરી પહેલી ઓગસ્ટથી થાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આવકવેરા વિભાગ આ પેનલ્ટી એટલા માટે લગાવે છે જેથી કરદાતાઓ સમયમર્યાદામાં રિટર્ન ફાઇલ કરે.

નિયત ડેડલાઈનમાં રિટર્ન ફાઇલ કરવાના ફાયદા

સમયમર્યાદામાં રિટર્ન ફાઈલ કરવાના ઘણા ફાયદા છે. જો 31 જુલાઈ સુધીમાં રિટર્ન ભરવામાં ન આવે તો કરદાતાઓને રિફંડ મળતું નથી. દરમિયાન, જો તેને હોમ લોન અથવા અન્ય કોઈ લોનની જરૂર હોય, તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બેન્કો અથવા NBFCs લોન અરજી કરતી વખતે અરજદાર પાસેથી આવકવેરા રિટર્ન માંગે છે. 

  મોડા ITR ફાઈલ કરવા બદલ બે પ્રકારની પેનલ્ટી ચૂકવવી પડશે, જાણો કેટલો દંડ થઈ શકે 2 - image


Google NewsGoogle News