રિટર્ન ફાઈલ કરી દીધું? ફાઈલિંગ વખતે બેન્ક ખાતાને પ્રિ-વેલિડેટ કરાવજો, નહીં તો મુશ્કેલીમાં મૂકાશો
Income Tax Return Filling: રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. જો તમે હજુ સુધી તમારું રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમારે આ કામ ઝડપથી પૂર્ણ કરવું જોઈએ. રિટર્ન ફાઈલ કરવા માટે છેલ્લી ઘડી સુધી રાહ જોવી યોગ્ય નથી. જો કોઈપણ કરદાતાએ એડવાન્સ ટેક્સ અથવા ટીડીએસ દ્વારા વધુ ટેક્સ ચૂકવ્યો છે, તો તેને આવકવેરા વિભાગ તરફથી ઝડપી રિફંડ મળશે. જેના માટે તમારે તમારું બેન્ક એકાઉન્ટ વેરિફાઇડ કરવું પડશે.
બેન્ક એકાઉન્ટ પ્રિ-વેલિડેટ જરૂરી
આવકવેરા રિફંડની સાચી પ્રક્રિયા માટે બેન્ક ખાતાની પ્રિ-વેલિડેટ કરાવવુ જરૂરી છે. જે ખાતરી કરે છે કે કરદાતાના બેન્ક ખાતા સંબંધિત માહિતી સાચી છે. તેમજ તે પાન સાથે લિંક છે. ઘણી વખત બેન્કોના મર્જર અથવા એક્વિઝિશનને કારણે IFSC અથવા એકાઉન્ટ નંબરમાં ફેરફાર થાય છે. જેથી કરદાતાના બેન્ક ખાતા સંબંધિત માહિતીમાં ફેરફાર થાય છે. જેને અપડેટ કરવો જરૂરી છે, નહીં તો રિફંડમાં મુશ્કેલી આવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવકવેરા રિટર્ન ફાઇલ કરતા પહેલા બેન્ક એકાઉન્ટને વેરિફિકેશન કરવામાં આવે તો સારું રહેશે. આનાથી રિફંડની ખાતરી થાય છે.
આઈટીઆર ફાઈલ કરતી વખતે યોગ્ય ફોર્મની પસંદગી કરવી આવશ્યક, આ કિસ્સામાં ITR-1 ફોર્મ નકામું સાબિત થશે
બેન્ક ખાતાને વેલિડેટ કરવાની પ્રક્રિયા શું છે?
બેન્ક ખાતાને વેલિડેટ કરવાની પ્રક્રિયા સાવ સરળ છે. સૌ પ્રથમ, તમારે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ (incometax.gov.in) પર લોગ ઇન કરવું પડશે. બાદમાં તમારે 'My Profile' પર જઈને 'My Bank Account' પસંદ કરવાનું રહેશે. અહીં તમે નવું બેન્ક એકાઉન્ટ ઉમેરી શકો છો અથવા જૂનું એકાઉન્ટ અપડેટ કરી શકો છો. જેના માટે તમારે બેન્કનું નામ, એકાઉન્ટ નંબર, પાન, IFSC જેવી માહિતી ભરવાની રહેશે. બાદમાં તે સબમિટ કરવાનું રહેશે.
તમારી માહિતી વેલિડેટ થઈ છે કે નહીં તે ચકાસો
તમારી બેન્ક એકાઉન્ટની માહિતી માન્ય છે કે નહીં, તેની ચકાસણી કરવી જરૂરી છે. જેના માટે તમારે ફરીથી ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગ ઈન કરવું પડશે. 'માય પ્રોફાઇલ' પર જવું પડશે. તેમાં 'માય બેન્ક એકાઉન્ટ' વિકલ્પ પસંદ કરશો એટલે સ્ક્રીન પર તમને તે બેન્ક ખાતાઓની યાદી દેખાશે જે પ્રિ-વેલિડેટ છે અને જે તમે આવકવેરા રિફંડ માટે પસંદ કર્યા છે.
પ્રિ-વેલિડેશનના લાભ
બેન્ક ખાતાનું પ્રિ-વેલિડેશન એ સુનિશ્ચિત કરે છે કે રિફંડની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકશે, આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી તરત જ આવકવેરા વિભાગ દ્વારા રિફંડ જારી કરવામાં આવે છે. જો તમે તમારું બેન્ક એકાઉન્ટ વેલિડેટ કરાવ્યું છે, તો રિફંડના પૈસા તમારા ખાતામાં ઝડપથી અડચણ વિના આવે છે. ઘણા લોકોનું રિફંડ અટવાઈ જાય છે, જેની પાછળ મોટાભાગે બેન્ક ખાતાનું પ્રિ-વેલિડેશન ન કરાવવાનું પરિબળ જવાબદાર છે.