ITR Deadline: જો 31 જુલાઈ સુધી રિટર્ન ન ભરી શકો તો તમારી પાસે છે આ વિકલ્પ, બેથી ત્રણ મહિનાનો મળશે સમય
Income Tax Return: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ પૂર્ણ થવાના આરે માત્ર બે દિવસ બાકી છે. નાણાંકીય વર્ષ 2023-24 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જે લોકો આ તારીખ સુધીમાં આઇટીઆર ફાઇલ નહીં કરે તેમને પેનલ્ટી થઈ શકે છે. પેનલ્ટીની રકમ તમારી કમાણી પર આધારિત છે. જો કે, ઘણા લોકોને 31 જુલાઈ પછી પણ રિટર્ન ફાઇલ કરવાની છૂટ આપવામાં આવશે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કયા લોકો આ ડેડલાઇનના 3 મહિના બાદ પણ આઇટીઆર ફાઇલ કરી શકશે.
રૂ. 1000થી 5000 સુધી પેનલ્ટી
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, જે લોકોની વાર્ષિક આવક રૂ. 5 લાખથી ઓછી છે, તેમણે 31 જુલાઈ બાદ આઇટીઆર ફાઇલ કરવા પર રૂ. 1000ની પેનલ્ટી ચૂકવવી પડશે. જો કે, જેની આવક રૂ. 5 લાખથી વધુ છે તેમણે રૂ. 5000 પેનલ્ટી ભરવી પડશે. જો તમારી કમાણી કે બિઝનેસને ઓડિટિંગની જરૂર હોય તો તમને રિટર્ન ફાઇલ કરવા માટે 31 ઑક્ટોબર, 2024 સુધીનો સમય મળશે. જેથી તમે પેનલ્ટી ભરી આ કામ પતાવી શકો છો.
આંતરરાષ્ટ્રીય બિઝનેસને 30 નવેમ્બર સુધીનો સમય
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, જે બિઝનેસમાં ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરે છે, તેઓને આઇટીઆર ફાઇલ કરવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપશે. એવામાં ટ્રાન્સફર પ્રાઇસિંગની સાથે અનેક પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે. સાથે જ ઘણા સ્થાનિક વેપારીઓને પણ આઇટીઆર ભરવા માટે વધારાનો સમય આપવામાં આવે છે. જો કે, તેના માટે તેમણે ઇન્કમ ટેક્સ ઍક્ટની અનેક શરતોનું પાલન કરવાનું હોય છે. સાથે જ અનેક મામલામાં લેઇટ ફાઇલિંગ ફી પણ ચૂકવવાની હોય છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપી રહ્યું છે તમામ જવાબ
31 જુલાઈ સુધી રિટર્ન ફાઇલ ન કરવા બદલ તમને રૂ. 1000થી 5000 સુધીની પેનલ્ટી થઈ શકે છે. તદુપરાંત બાકી ટેક્સ પર પેનલ્ટી પણ ચૂકવવી પડી શકે છે. કરદાતાઓ ડેડલાઇન અને ગાઇડલાઇન અંગે અસમંજસમાં મૂકાતા હોય છે. આ સમસ્યાઓ ધ્યાનમાં લેતાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે વિભિન્ન ચેનલોના માધ્યમથી 24/7 સહાય સેવાઓ શરુ કરી છે. જેની મદદથી કરદાતા પોતાના તમામ સવાલોના જવાબ મેળવી શકે છે.