ITR: આવકવેરા સંબંધિત આ કામ અગાઉથી કરો, જેથી રિટર્ન ફાઈલ કર્યા બાદ રિફંડ ઝડપથી સીધુ ખાતામાં જમા થાય

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
Income Tax Filling


ITR Filling: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ ધીમે-ધીમે નજીક આવી રહી છે. મોટાભાગના પગારદારોને 15 જૂન પછી તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 મળી ચૂક્યા છે, જેથી હવે તેઓ સરળતાથી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જો કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે, પરંતુ જો તમે છેલ્લી તારીખની રાહ જોયા વિના ઝડપથી આ કામ પૂર્ણ કરશો તો તમને લાભ થશે.

તમે જેટલી જલ્દી ITR ફાઈલ કરશો તેટલું જલ્દી તમને રિફંડ મળશે. પણ અહીં તમારે બીજી એક વાત સમજવી પડશે. જો તમે ઈચ્છો છો કે તમારા ઈન્કમ ટેક્સ રિફંડની રકમ કોઈપણ સમસ્યા વિના તમારા બેન્ક ખાતામાં સીધી જમા થાય, તો આ માટે તમારે હવેથી કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા પડશે.

રિફંડ સીધુ બેન્ક ખાતામાં કેવી રીતે આવશે?

જ્યારે કોઈપણ વ્યક્તિ તેનું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે, ત્યારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેની ચકાસણી કરે છે. જો કરદાતા દ્વારા આપવામાં આવેલી તમામ માહિતી સાચી હોય અને તેના આધારે કરાયેલી ગણતરી મુજબ ટેક્સ રિફંડ જારી કરવામાં આવે તો ડિપાર્ટમેન્ટ તે રકમ કરદાતાના બેન્ક ખાતામાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરે છે.

ખાતામાં રિફંડના નાણાં જમા કરાવવા માટે, કરદાતા દ્વારા ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલી બેન્ક ખાતાની વિગતોની ચકાસણી અથવા માન્યતા હોવી જરૂરી છે. જો કરદાતાના ખાતાની વિગતો સાચી નહીં હોય અથવા ખાતું માન્ય નથી, તો રિફંડના નાણાં તેના ખાતામાં જમા થશે નહીં.

બેન્ક ખાતું વેલિડેટ કરાવવુ જરૂરી

આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા પછી કોઈપણ વિલંબ વિના ટેક્સ રિફંડ મેળવવા માટે, કરદાતાઓ અગાઉથી ચકાસણી કરી શકે છે. આવકવેરા વિભાગ સાથેના તેમના બેન્ક ખાતાની વિગતો સાચી છે અને ખાતું વેલિડેટ થયેલુ હોવુ જોઈએ. જેઓનું બેન્ક ખાતુ વેલિડેટ નથી તેઓ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને આ કામ ઓનલાઈન કરી શકે છે.

બેન્ક ખાતુ વેલિડેટ કરાવવા રજિસ્ટ્રેશન કરાવવુ પડશે

બેન્ક ખાતુ વેલિડેટ કરાવતા પહેલાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. જો તમે પહેલેથી જ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી રહ્યા હોવ, તો તમે ચોક્કસપણે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર રજિસ્ટર્ડ હશો.

આ ઉપરાંત, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈ તમે તે જ બેન્ક ખાતું ઓનલાઈન વેલિડેટ કરી શકો છો, જેમાં તમારૂ બેન્ક ખાતું પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN સાથે લિંક હશે. ઓનલાઈન વેલિડેશન માટે તમારી પાસે IFSC કોડ સહિત તમારા બેન્ક ખાતાને લગતી તમામ વિગતો હોવી જોઈએ.

નવા બેન્ક ખાતાને વેલિડેટ કરવાની પદ્ધતિ

https://incometax.gov.in/iec/foportal/ પર જાઓ

• લોગઈન કર્યા પછી, 'પ્રોફાઈલ' પર ક્લિક કરો

• 'માય બેન્ક એકાઉન્ટ' પર ક્લિક કરો

• 'Add Bank Account'ના ટેબ પર ક્લિક કર્યા પછી, તમારા બેન્ક ખાતાને લગતી તમામ વિગતો ભરો.

• આ પછી 'Validate' પર ક્લિક કરો.

• એકાઉન્ટ માન્યતા માટે નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો.

એક વખત જ વેરિફિકેશન કરાવવુ પડશે...

સામાન્ય રીતે, એક વખત બેન્ક ખાતું વેરિફિકેશન થયા પછી તેને ફરીથી વેરિફિકેશન કરાવવું પડતું નથી. પરંતુ કેટલાક ખાસ સંજોગોમાં પુનઃ માન્યતાની જરૂરિયાત પણ ઊભી થઈ શકે છે.

• જો કરદાતાના બેન્ક ખાતાની બ્રાન્ચ અથવા સરનામું બદલાઈ ગયું હોય.

• જો કરદાતાની બેન્કનો IFSC કોડ બદલાઈ ગયો હોય.

• જો બે બેન્કોના વિલીનીકરણને કારણે બેન્ક સંબંધિત વિગતો બદલાઈ ગઈ હોય.

જો કોઈ કરદાતા નવા બેન્ક ખાતામાં ટેક્સ રિફંડની રકમ મેળવવા માંગે છે, તો પણ તેણે નવા ખાતાની વિગતો ભરવી પડશે અને તેને ફરીથી માન્ય કરાવવું પડશે.

બેન્ક ખાતુ આ રીતે અપડેટ કરો

•: https://incometax.gov.in/iec/foportal/ પર જાઓ

• લોગ ઇન કરો અને પ્રોફાઇલ પર ક્લિક કરો

• 'બેંક એકાઉન્ટ' પસંદ કરો અને 'રિવેલિડેટ' પર ક્લિક કરો

• નવી વિગતો અથવા નવી બેંક ખાતાની વિગતો ભરીને બેંક એકાઉન્ટ અપડેટ કરો

• 'વેલિડેટ' પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા પૂર્ણ કરો

તમે કોઈપણ સમયે તમારા બેન્ક ખાતાની વિગતો બદલી અથવા અપડેટ કરી શકો છો. પરંતુ દરેક ફેરફાર પછી એકાઉન્ટને માન્ય કરવાનું યાદ રાખો. અન્યથા તમને ટેક્સ રિફંડ મેળવવામાં મુશ્કેલી અથવા વિલંબનો સામનો કરવો પડી શકે છે.


Google NewsGoogle News