શેરબજારમાં મંદીનું જોર યથાવત્, સેન્સેક્સે 77000નું લેવલ ગુમાવ્યું, આઇટી શેર્સમાં મોટું ગાબડું
Stock Market Today: શેરબજારમાં એફઆઇઆઇની વેચવાલી અને વૈશ્વિક પડકારો વચ્ચે મંદીનું જોર યથાવત્ છે. આજે સપ્તાહની શરુઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ખુલ્યા બાદ સતત તૂટ્યા છે. આઇટી શેર્સમાં પણ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.
નબળા ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે આજે સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછાળે ખુલ્યા બાદ 600થી વધુ પોઇન્ટ તૂટી 77000નું લેવલ પણ ગુમાવ્યું હતું. બાદમાં 11.00 વાગ્યે 442.21 પોઇન્ટના કડાકે 77138.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 23400ની સાયકોલૉજિક્લ સપાટી ગુમાવી 181.70 પોઇન્ટના કડાકે 23351.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આઇટી અને ટેક્નો શેર્સ કડડભૂસ
અમેરિકામાં ટ્રમ્પને બહુમતી મળવાની સાથે ડૉલર ઇન્ડેક્સમાં આવેલી તેજીના પગલે આઇટી અને ટૅક્નોલૉજી શેર્સમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, ફેડ રિઝર્વ જેરોમ પોવેલે વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓ નકારતા આઇટી અને ટૅક્નોલૉજી શેર્સમાં રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. આજે બીએસઈ ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી ઇન્ડેક્સ 3 ટકા તૂટી 40861.16ની બોટમે પહોંચ્યો હતો. 11 વાગ્યા સુધીમાં જ તેમાં 1337 પોઇન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. ટૅક્નોલૉજી ઇન્ડેક્સ પણ 2.50 ટકાના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ટીસીએસ 3.64 ટકા, વિપ્રો 3.52 ટકા, માઇન્ડ ટ્રી 3.54 ટકા, ઇન્ફોસિસ 3.12 ટકાના ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
મેટલ-રિયાલ્ટીમાં લાંબા સમય બાદ ખરીદી
છેલ્લા બે સપ્તાહથી માર્કેટમાં ઓવરઓલ કરેક્શનના માહોલમાં મેટલ અને રિયાલ્ટી શેર્સમાં મોટો કડાકો નોંધાયો હતો. જો કે, આજે મેટલ અને રિયાલ્ટી શેર્સમાં નીચા મથાળે ખરીદી જોવા મળી છે. પરિણામે મેટલ અને રિયાલ્ટી ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. ઓટો શેર્સમાં પણ નજીવો સુધારો જોવા મળ્યો છે.