સંવત 2080ના અંતે IT શેરોમાં કડાકો :સેન્સેક્સ 553 પોઈન્ટ ગબડીને 79389
- નિફટી ૧૩૫ પોઈન્ટ તૂટીને ૨૪૨૦૫ : આઈટી ઈન્ડેક્સ ૧૦૫૮ પોઈન્ટ તૂટયો
- ચાઈનાના સ્ટીમ્યુલસ પેકેજ સાથે ફોરેન ફંડોનું વર્ષાંતે સતત હેમરિંગ
મુંબઈ : સંવત ૨૦૮૦ નો અંત આજે સેન્સેક્સ, નિફટીમાં કડાકા સાથે થયો હતો. ફંડોએ આજે આરંભથી જ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. જો કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું આકર્ષણ યથાવત રહ્યું હતું. ચાઈનાની સેન્ટ્રલ બેંકે નવા લિક્વિડિટી ટુલ થકી સિસ્ટમમાં ૭૦ અબજ ડોલર ઠાલવતાં અને આ સ્ટીમ્યુલસ પગલાંએ ફરી ફોરેન ફંડોનું પલાયન વધતાં આઈટી શેરો પાછળ કડાકો બોલાઈ ગયો હતો. કોર્પોરેટ પરિણામોમાં લાર્સન એન્ડ ટુબ્રોના સારા રિઝલ્ટ સારા આવતાં ફંડોએ કેપિટલ ગુડઝ શેરોમાં મોટી ખરીદી કરી હતી. પરંતુ આઈટી શેરોમાં ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, વિપ્રોમાં મોટું ઓફલોડિંગ થતાં અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશીયન પેઈન્ટસમાં વેચવાલીને પરિણામે નરમાઈ રહી હતી. સતત બીજા દિવસે ફંડો, મહારથીઓએ તેમના પસંદગીના સ્મોલ કેપ શેરોમાં મોટી ખરીદી કરી હતી. સેન્સેક્સ ૫૫૩.૧૨ પોઈન્ટ ગબડીને ૭૯૩૮૯.૦૬ અને નિફટી ૫૦ સ્પોટ ૧૩૫.૫૦ પોઈન્ટ ગબડીને ૨૪૨૦૫.૩૦ બંધ રહ્યા હતા.
જેનેસિસ રૂ.૩૯, ટેક મહિન્દ્રા રૂ.૭૭, એમ્ફેસીસ રૂ.૧૩૧, ટીસીએસ રૂ.૧૧૪, એચસીએલ રૂ.૭૨ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૫૮.૦૮ પોઈન્ટ ગબડીને ૪૦૪૨૮.૩૧ બંધ રહ્યો હતો. જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૩૯.૩૫ તૂટીને રૂ.૭૭૮.૯૦, ટેક મહિન્દ્રા રૂ.૭૬.૫૫ તૂટીને રૂ.૧૬૦૮.૨૫, એમ્ફેસીસ રૂ.૧૩૧.૫૫ તૂટીને રૂ.૨૮૭૯, બિરલા સોફ્ટ રૂ.૨૫.૦૫ તૂટીને રૂ.૫૪૯.૯૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૪૧.૮૫ ગબડીને રૂ.૫૩૭૪.૭૦, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૨૦૨.૭૫ તૂટીને રૂ.૪૯૪૮.૨૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૭૧.૫૫ તૂટીને રૂ.૧૭૬૭.૯૫,ટીસીએસ રૂ.૧૧૪.૩૫ તૂટીને રૂ.૩૯૭૧.૨૫, ઈન્ફોસીસ રૂ.૪૪.૬૦ તૂટીને રૂ.૧૭૫૭.૧૫, વિપ્રો રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૫૫૧.૮૦ રહ્યા હતા. અલબત ખરાબ બજારે ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૫૨ ઉછળીને રૂ.૫૭૨.૪૦, રેટગેઈન ટ્રાવેલ રૂ.૩૭.૪૫ વધીને રૂ.૭૫૪, ન્યુજેન સોફ્ટવેર રૂ.૪૯.૧૦ વધીને રૂ.૧૨૮૧.૬૫ રહ્યા હતા.
લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૧૭ ઉછળી રૂ.૩૬૨૪ : એલજી ઈક્વિપમેન્ટ રૂ.૬૨, ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૮૧ ઉછળ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. લાર્સન એન્ડ ટુબ્રોના ત્રિમાસિક પરિણામના આકર્ષણે શેરમાં મોટી ખરીદી થતાં રૂ.૨૧૭.૩૦ ઉછળી રૂ.૩૬૨૪.૪૦ રહ્યો હતો. એલજી ઈક્વિપમેન્ટ રૂ.૬૧.૮૦ ઉછળી રૂ.૬૬૪.૨૦, ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૮૧ વધીને રૂ.૨૨૩૦.૮૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૮૦ વધીને રૂ.૭૩૭, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૨૫.૪૫ વધીને રૂ.૧૨૨૧.૪૦, હનીવેલ ઓટોમેશન રૂ.૭૨૮.૪૫ વધીને રૂ.૪૫,૯૦૦, પોલીકેબ રૂ.૯૪.૧૦ વધીને રૂ.૬૪૮૭.૮૫, એલએમડબલ્યુ રૂ.૧૯૫.૮૦ વધીને રૂ.૧૬૬૪૮.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૪૬.૧૭ પોઈન્ટ ઉછળીને ૬૯૧૦૫.૮૦ બંધ રહ્યો હતો.
વોલ્ટાસ રૂ.૪૬ ઘટીને રૂ.૧૬૫૦ : વ્હર્લપુલ, ટાઈટન, હવેલ્સ ઈન્ડિયા, ડિક્સન ટેકનોલોજી ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી રહી હતી. વોલ્ટાસ રૂ.૪૬.૪૫ ઘટીને રૂ.૧૬૫૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૦.૮૫ ઘટીને રૂ.૧૬૪૦, ટાઈટન કંપની રૂ.૩૮.૩૦ ઘટીને રૂ.૩૨૬૯.૧૦, સીજી કન્ઝયુમર રૂ.૩.૯૫ ઘટીને રૂ.૩૮૯.૬૦, ડિકસન ટેકનોલોજી રૂ.૧૦૪.૮૫ ઘટીને રૂ.૧૪,૦૬૪.૯૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૭૧.૮૩ પોઈન્ટ ઘટીને ૬૦૬૫૫.૮૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડો લેવાલ : વિન્ડલાસ રૂ.૧૦૨, સિપ્લા રૂ.૧૩૬, પિરામલ ફાર્મા રૂ.૧૬ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે સંવત ૨૦૮૦ના અંતિમ દિવસે પસંદગીની મોટી ખરીદી કરી હતી. વિન્ડલાસ બાયોટેક રૂ.૧૦૨.૫૫ ઉછળીને રૂ.૧૧૧૮.૮૫, સિપ્લા રૂ.૧૩૫.૭૫ ઉછળીને રૂ.૧૫૫૩.૨૦, રેઈનબો ચાઈલ્ડ રૂ.૧૩૦ વધીને રૂ.૧૬૧૨.૨૫, ન્યુલેન્ડ લેબ રૂ.૧૦૭૨.૨૫ વધીને રૂ.૧૪,૮૭૫, પિરામલ ફાર્મા રૂ.૧૬.૦૫ વધીને રૂ.૨૬૮.૪૦, વોખાર્ટ રૂ.૫૭.૭૦ વધીને રૂ.૧૨૧૨.૫૫, એફડીસી રૂ.૨૨.૮૫ વધીને રૂ.૫૪૫, યુનિકેમ લેબ રૂ.૩૩.૮૫ વધીને રૂ.૮૩૨.૪૦, સનોફી ઈન્ડિયા રૂ.૨૭૦.૦૫ વધીને રૂ..૬૮૩૬, એલેમ્બિક ફાર્મા રૂ.૪૩.૪૫ વધીને રૂ.૧૧૨૬.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૯૯.૮૫ પોઈન્ટ ઉછળીને ૪૩૯૧૪.૯૮ બંધ રહ્યો હતો.
ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : મુફિન, આઈસીઆઈસીઆઈ ઘટયા : પ્રુડેન્ટ એડ. ઉછળ્યો
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે ફંડોએ પ્રોફિટ બુકિંગ થયું હતું. આઈસીઆઈસીઈઆઈ બેંક રૂ.૨૦.૬૫ ઘટીને રૂ.૧૧૫૮.૫૦, એક્સિસ બેંક રૂ.૧૪.૦૫ ઘટીને રૂ.૧૧૫૮.૫૦ રહ્યા હતા. ફાઇનાન્સ શેરોમાં મુફિન ગ્રીન રૂ.૯.૭૫ ઘટીને રૂ.૧૦૮.૨૫, ફાઈવ-સ્ટાર બિઝનેસ રૂ.૫૧.૭૦ તૂટીને રૂ.૭૧૨.૪૫, એબી કેપિટલ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૨૦૩.૨૦, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૪૩.૧૦ ઘટીને રૂ.૬૫૩૮.૧૦, માસ્ટક ટ્રસ્ટ રૂ.૭.૮૫ ઘટીને રૂ.૧૮૪.૫૦ રહ્યા હતા. જ્યારે પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૪૦૩.૬૫ ઉછળી રૂ.૩૧૧૭.૬૫, બાલમેર લોરી ઈન્વેસ્ટમેન્ટ રૂ.૬.૭૩ વધીને રૂ.૮૩.૫૨, આનંદ રાઠી રૂ.૨૨૮.૯૫ વધીને રૂ.૪૧૩૦, નાલ્વા સન્સ રૂ.૨૯૪.૯૦ ઉછળીને રૂ.૬૧૯૩, ફયુઝન ફાઈનાન્સ રૂ.૧૦.૩૫ વધીને રૂ.૨૧૭.૬૫ રહ્યા હતા.
સ્મોલ કેપ શેરોમાં સતત તેજી : ઓપરેટરો, ફંડો સક્રિય : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૬૫૨ શેરો પોઝિટીવ બંધ
સંવત ૨૦૮૦નો આજે અંત સતત સ્મોલ, કેપ શેરોમાં આક્રમક તેજીએ થયો હતો. ઓપરેટરો ફરી સક્રિય લેવાલ બન્યા સાથે લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ વેલ્યુબાઈંગ ચાલુ રાખતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત મિડ કેપ શેરોમાં આજે વેચવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૫૨ રહી હતી. જ્યારે ઘટનારની સંખ્યા ૧૨૬૪ રહી હતી.