આઈટી રિટર્નના રિફંડના મેસેજ આવતા હોય તો ચેતી જજો, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું એલર્ટ
Cyber Fraud Messages for ITR Refund: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ચૂકી છે. અંદાજિત 7 કરોડ લોકોએ આઈટીઆર ફાઈલ કર્યા છે. હવે કરદાતાઓ રિફંડ પર નજર રાખી રહ્યા છે. સાયબર ક્રાઈમ કરનારાએ આઈટીઆર રિફંડનો લાભ લેતાં ફ્રોડ કરી રહ્યા છે. હાલમાં જ ઘણાં કરદાતાઓને રિફંડ આવ્યું હોવાનો ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. જેમાં 10 હજારથી વધુ રકમનું રિફંડ દર્શાવી રકમ ખાતામાં ટ્રાન્સફર કરવા આપેલ લિંક પર ક્લિક કરવા કહેવામાં આવી રહ્યું છે. જો કે, ઘણા હોશિયાર કરદાતાઓને આ મેસેજમાં અજુગતું લાગતાં તેમણે ઇન્કમ ટેક્સ વિભાગના કસ્ટમર કેરમાં ફોન કરી જાણ કરતાં આ ફ્રોડ વિશેની જાણકારી મળી છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓ આ પ્રકારનો રિફંડનો કોઈ મેસેજ કરતા નથી.
હેકર કોઈને કોઈ રીતે ચોરી કરી રહ્યા છે
સાયબર હેકર્સ સતત નવી ટેક્નિક મારફત લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તેઓ કોઈને કોઈ રીતે લોકોના એકાઉન્ટ ખાલી કરી શિકાર બનાવી રહ્યા છે. ઈમેઈલ અને મોબાઈલ પર મોટાભાગના લોકોને રોજબરોજ કેટલીક લિંક આવતી હોય છે, જેના પર ક્લિક કરતાં જ મોબાઈલનું એક્સેસ હેકર્સના હાથમાં આવી જાય છે, અને તે બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે.
રિફંડ એક મહિનામાં જમા થાય છે
ઇન્કમ ટેક્સ વિભાગ રિફંડ સંબંધિત આવા સંદેશા ક્યારેય મોકલતું નથી. તે રિફંડની માહિતી સંબંધિત મેસેજ મોકલે છે, તે પણ રિટર્ન ફાઇલ કરતાં પહેલાં. ITR ફાઇલ કર્યાના લગભગ એક મહિનામાં, રિફંડ બેન્ક ખાતામાં જમા થઈ જાય છે જે ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ સાથે લિંક છે. રિફંડ મેળવવા માટે કોઈ અલગ મેસેજ મોકલવામાં આવતો નથી.
ઇન્કમ ટેક્સ વિભાગની ચેતવણી
ઇન્કમ ટેક્સ વિભાગે કરદાતાઓને નિશાન બનાવી ફ્રોડ સંબંધિત ચેતવણી જારી કરી છે. વિભાગે તેની સત્તાવાર વેબસાઈટ incometax.gov.in પર બે ફોટો શેર કર્યા છે. જેમાં, ITR ફાઇલ કરનારાની સાથે જે લોકો ટેક્સ ભરવાનું ચૂકી ગયા છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. કરદાતાઓએ આવા નકલી કૉલ્સ અને પોપ-અપ મેસેજીસથી સાવચેત રહેવું જોઈએ
આ પ્રકારના મેસેજ આવી રહ્યા છે
લોકોને ફ્રોડ મેસેજ મળી રહ્યા છે તેમાં લખેલું છે કે તેમનો ITR મંજૂર થઈ ગયું છે અને તેઓ રૂ. 15,000ના રિફંડ માટે પાત્ર છે. મેસેજમાં બેન્ક એકાઉન્ટને 'વેરિફાઈ' કરવાની લિંક પણ છે, પરંતુ તે સંપૂર્ણ પણે નકલી છે. બીજા ફોટો પર લખેલું છે – નકલી પોપ-અપ્સની જાળમાં ન ફસાઓ! ઇન્કમ ટેક્સ વિભાગ ક્યારેય પોપ-અપ વિન્ડો દ્વારા તમારો સંપર્ક કરશે નહીં.
કોઈ માહિતી આપશો નહીં
આવકવેરા વિભાગે કહ્યું છે કે આવા કોઈપણ મેસેજનો જવાબ આપશો નહીં કે કોઈ લિંક પર ક્લિક કરશો નહીં. લિંક પર ક્લિક કરશો નહીં અથવા બેન્ક ખાતાની માહિતી, ક્રેડિટ કાર્ડની માહિતી અથવા અન્ય કોઈપણ સંવેદનશીલ ડેટા માટે પૂછતા ઈમેલનો જવાબ આપશો નહીં. તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગ કરદાતાઓ સાથે તેમના રજિસ્ટર્ડ ઈ-મેલ દ્વારા જ વાતચીત કરે છે.