કોલ્ડ ડ્રિંક્સ, સિગારેટ અને તમાકુ થશે મોંઘા, 35% સુધી નવો GST દર લાગુ કરવાની તૈયારી
GST Council Meeting: GSTના દરોને તર્કસંગત બનાવવા માટે મંત્રી મંડળ કોલ્ડ ડ્રિંક, સિગારેટ અને તમાકુ જેવા સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉત્પાદનો પર જીએસટી રેટ 28 ટકાથી વધારી 35 ટકા કરવા વિચારી રહી છે. જીએસટી કાઉન્સિલની 21 ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં આ મુદ્દે નિર્ણય જાહેર થઈ શકે છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વ હેઠળ આયોજિત આ બેઠકમાં રાજ્યના નાણામંત્રીઓ સામેલ થશે. અહેવાલો મુજબ, મંત્રી મંડળે કોલ્ડ ડ્રિંક, તમાકુ, સિગારેટ જેવા હાનિકારક પદાર્થો પર જીએસટી રેટ વધારવા સહમતિ દર્શાવી છે. આ બેઠકમાં અન્ય ઘણી વસ્તુઓના જીએસટી રેટમાં ફેરફારો કરવામાં આવશે.
148 પ્રોડક્ટ્સ પર જીએસટી બદલાશે?
સૂત્રો અનુસાર, જીએસટી કાઉન્સિલની કમિટી સમક્ષ કુલ 148 પ્રોડક્ટ્સ પર જીએસટીના દરો બદલવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આગામી બેઠકમાં આમાંથી મોટાભાગની પ્રોડક્ટ્સ પર જીએસટી રેટ બદલાઈ શકે છે. જેમાં વસ્ત્ર-પરિધાનો પર પણ જીએસટી તર્કસંગત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અદાણી ગ્રૂપ SEBIની શરણે, 4 કંપની સામેના ગંભીર આરોપો મામલે 'સેટલમેન્ટ' કરવાની માગ કરી
જીએસટી સ્લેબમાં નવો ઉમેરો
અધિકારીએ જણાવ્યું હતું કે, જીએસટીનો 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સ્લેબ જળવાઈ રહેશે. તે સિવાય 35 ટકાનો જીએસટી સ્લેબ ઉમેરાઈ શકે છે. જેમાં તમાકુ સંબંધિત નશીલા પદાર્થો અને ઠંડાપીણા પર આ નવો જીએસટી લાગુ થઈ શકે છે.
રેડીમેડ કપડાં પર જીએસટી
રૂ. 1500 સુધીની કિંમતના રેડીમેડ કપડાં પર 5 ટકા જીએસટી લાગુ કરવાની રજૂઆત કરાઈ છે. જ્યારે રૂ. 1500થી 10000ની કિંમતના કપડાં પર 18 ટકા અને 10 હજારથી વધુ કિંમતના કપડાં પર 28 ટકા જીએસટી લાગુ કરાશે.
છ માસનો માગ્યો સમય
GST રિફંડ સેસ મુદ્દે રચાયેલી GoMએ તેનો અહેવાલ સબમિટ કરવા GST કાઉન્સિલ પાસે વધુ છ મહિનાનો સમય માગ્યો છે. અગાઉ GoMએ આ રિપોર્ટ 31 ડિસેમ્બર સુધીમાં GST કાઉન્સિલને સુપરત કરવાનો હતો. આ GoMની રચના નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. તેમાં આસામ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના સભ્યોનો સમાવેશ થાય છે.