હવે લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીની અવેજમાં લોન મળશે, જાણો કેવી રીતે અને શું હશે વ્યાજના દર
IRDAI New Rules: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ લાઈફ ઈન્સ્યોરન્સ અંગે માસ્ટર સર્ક્યુલર બહાર પાડ્યો છે. જે અનુસાર, હવે તમામ લાઈફ ઈન્સ્યોરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ્સ પર પોલિસી લોનની સુવિધા ફરજિયાત છે. અર્થાત, હવે પોલિસી ધારકોને તેમની રોકડ જરૂરિયાતો પહોંચી વળવામાં મદદ મળશે. તમામ પોલિસી ધારકો માટે નિયમો અને શરતોની સમીક્ષા કરવા માટે ફ્રી લુક પિરિયડ 15 દિવસથી વધારીને 30 દિવસ કરવામાં આવ્યો છે.
IRDAIનો નવો માસ્ટર સર્ક્યુલર પોલિસીધારકોના હિતોને ધ્યાનમાં રાખીને વીમા નિયમનકાર દ્વારા લેવામાં આવેલા સુધારાઓની શ્રેણીમાં એક મહત્વપૂર્ણ પગલું છે. હવે ઈનોવેશન્સને પ્રોત્સાહન આપવા, ગ્રાહક અનુભવ અને સંતોષ વધારવા ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે લાઈફ ઈન્સ્યોરન્સને સરળ બનાવવા આ પગલું ભર્યું છે.
આંશિક ઉપાડની સુવિધા
પેન્શન પ્રોડક્ટ્સ હેઠળ આંશિક ઉપાડની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે પોલિસીધારકોને તેમની જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ જેમ કે ઉચ્ચ શિક્ષણ અથવા બાળકોના લગ્ન, રહેણાંક મકાન/ફ્લેટની ખરીદી/બાંધકામ, તબીબી ખર્ચ અને ગંભીર બીમારીની સારવાર માટે સક્ષમ બનાવે છે. નવી માર્ગદર્શિકા મુજબ, જીવન વીમા કંપનીઓએ પોલિસી ધારકોને વ્યાપક વિકલ્પો પ્રદાન કરવા માટે રાઇડર્સ પ્રદાન કરવા જરૂરી છે.
ઈન્સ્યોરન્સ પોલિસીની અવેજમાં લોન
વીમાધારકો ઈન્સ્યોરન્સ પોલિસીની અવેજમાં લોન મેવી શકશે. અત્યારસુધી આ સુવિધા માત્ર પારંપારિક ઈન્સ્યોરન્સ પોલિસીમાં જ ઉપલબ્ધ હતી. જે હવે લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીમાં પણ ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, યુનિટ-લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન (ULIPs) અને ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી પર આ પ્રકારની લોન આપવામાં આવતી નથી.
કેટલી લોન મળશે
ઈન્સ્યોરન્સ પોલિસીની અવેજમાં લોન મેળવા માટે સરેન્ડર વેલ્યૂની જરૂર પડશે. સામાન્ય રીતે પોલિસીની સરેન્ડર વેલ્યૂના 85થી 90 ટકા રકમ લોન પેટે મળે છે. જેમાં વ્યાજના દરો અન્ય લોનની તુલનાએ નીચા રહેશે. તેમજ રિપેમેન્ટની મુદ્દત પણ ફ્લેક્સિબલ છે. જેમાં લોનની રકમ ઈન્સ્યોરન્સના ક્લેમ સેટલમેન્ટમાંથી પણ બાદ થઈ શકે છે.
કેવી રીતે અરજી કરવી
ઈન્સ્યોરન્સ પોલિસી પર લોન માટે અરજી કરતાં પહેલાં અમુક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે, પોલિસીની સરેન્ડર વેલ્યૂ શું છે, અને તેના પ્રમાણમાં તમારી લોનની જરૂરિયાત કેટલી છે. વીમા કંપનીનો સંપર્ક સાધી લોન માટે અરજી કરી શકો છો. અરજી મંજૂર થઈ ગયા બાદ સરેન્ડર વેલ્યૂના 85થી 90 ટકા રકમ લોન પેટે ફાળવવામાં આવશે.