હવે ઓટો, ચોરી-આગ, હોમ ઈન્સ્યોરન્સના ક્લેમ આ સ્થિતિમાં નામંજૂર થશે નહીં, IRDAIએ નિયમોમાં ફેરફાર કર્યા
Image: Freepik |
General Insurance: વીમાધારકોને રાહત આપતાં જનરલ ઈન્સ્યોરન્સના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ જનરલ ઈન્સ્યોરન્સના નિયમોમાં ફેરફાર કરતો માસ્ટર સર્ક્યુલર જારી કર્યો છે.
IRDAIના માસ્ટર સર્ક્યુલર અનુસાર, હવે ઈન્સ્યોરન્સ કંપનીઓ પર્યાપ્ત ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવી ક્લેમ રદ કરી શકશે નહીં. આ નિયમ માત્ર જનરલ ઈન્સ્યોરન્સ માટે લાગૂ કરવામાં આવ્યો છે. જનરલ ઈન્સ્યોરન્સના ક્લેમમાં સરળીકરણ અને ગ્રાહક કેન્દ્રિત ઈન્સ્યોરન્સ સોલ્યુશન્સ પ્રદાન કરવાના હેતુ સાથે ફેરફારો કરવામાં આવ્યા છે. જનરલ ઈન્સ્યોરન્સ બિઝનેસ અંગે જારી આ વ્યાપક માસ્ટર સર્ક્યુલરમાં અગાઉ જારી 13 સર્ક્યુલરને સુધારા સાથે સમાવી લેવામાં આવ્યા છે. IRDAIએ કહ્યું કે, ગ્રાહકની વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા તેમને પર્યાપ્ત વિકલ્પ પૂરા પાડી તેમના ઈન્સ્યોરન્સના અનુભવમાં વધારો કરવા નવા નિયમો ઘડવામાં આવ્યા છે.
વીમાધારકને આ લાભ મળશે
વીમાધારક ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી સરળતાથી સમજી શકશે. રિટેલ ગ્રાહકો કોઈપણ સમયે તેમની આ પોલિસી રદ કરી શકે છે. વીમા કંપનીઓ માત્ર છેતરપિંડીના આધારે સાત દિવસની નોટિસ જારી કરી પોલિસી રદ કરી શકશે. જનરલ ઈન્સ્યોરન્સધારકોનો ક્લેમ ડોક્યુમેન્ટ્સના અભાવે રદ કરી શકાશે નહીં. ગ્રાહકને તેઓ ખૂટતા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા કહી શકે છે. પરંતુ ક્લેમ રદ થશે નહીં. ઈન્સ્યોરન્સ કંપનીઓએ તેના ગ્રાહકોને ક્લેમ સેટલમેન્ટ કરવાની સમયમર્યાદા અગાઉથી જણાવવી પડશે.
પોલિસી રદ કરવા પર રિફંડ
વીમાધારક ગમે ત્યારે મોટર અને હોમ ઈન્સ્યોરન્સ પોલિસી કોઈપણ કારણ આપ્યા વિના રદ કરાવી શકે છે. પોલિસી રદ કરવા પર વીમા કંપની ગ્રાહકની પોલિસી એક વર્ષ જૂની હોય અને તેના પર કોઈ ક્લેમ કરવામાં ન આવ્યો હોય તો અનએક્સ્પાયર્ડ પોલિસી માટે ચૂકવવામાં આવેલુ પ્રીમિયમ પ્રપોશન રેટમાં રિફંડ આપશે.
જનરલ ઈન્સ્યોરન્સ શું છે
લાઈફ ઈન્સ્યોરન્સ સિવાયના ઈન્સ્યોરન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં સમાવિષ્ટ છે. જેમાં મોટર, હેલ્થ, ટ્રાવેલ, હોમ, કોમર્શિયલ, મરીન, ચોરી માટે, પ્રોપર્ટી, પાક, પશુઓ માટે લેવામાં આવતો ઈન્સ્યોરન્સ, એક્સિડન્ટ, ફાયર ઈન્સ્યોરન્સ વગેરે સમાવિષ્ટ છે.