વીમો ઉતરાવ્યો છે?, તો પૉલિસી સરન્ડર વેલ્યુને લઈને બદલાયો નિયમ, IRDAની જાહેરાત
IRDAI એ સરેન્ડર વેલ્યુ પર લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓને રાહત આપી છે
પોલિસી સરેન્ડરનો સમયગાળો જેટલો લાંબો હશે, તેટલી વધુ સરેન્ડર વેલ્યુ મળશે
IRDAI new rule: ઈરડાએ 19 માર્ચે એક બેઠક યોજી હતી. જેમાં વીમા નિયામકે આ મહિને વિવિધ નિયમોને મર્જ કરવાની મંજૂરી આપી હતી. ઈરડા એ એક નિવેદનમાં નવા નિયમોને સૂચિત કરવા વિશે માહિતી આપતા કહ્યું હતું કે ઈરડા (ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ) રેગ્યુલેશન્સ 2024માં છ રેગ્યુલેશન્સને એકીકૃત ફ્રેમવર્કમાં મર્જ કરવામાં આવ્યા છે. વીમા નિયમનકારનું કહેવું છે કે વિવિધ નિયમોને મર્જ કરવાનો હેતુ વીમા કંપનીઓને બજારની ઝડપથી બદલાતી માંગને પહોંચી વળવા, વેપાર કરવાનું સરળ બનાવવા અને વીમાની પહોંચને વિસ્તૃત કરવા સક્ષમ બનાવવાનો છે.
ફેરફારો નવા નાણાકીય વર્ષથી લાગુ થશે
વીમા નિયમનકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો 1 એપ્રિલ, 2024 એટલે કે નવા નાણાકીય વર્ષથી લાગુ થશે. નાણાકીય વર્ષ 2023-24, 31મી માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે. ઈરડા અનુસાર, નવા નિયમોનો અમલ એ સુનિશ્ચિત કરશે કે વીમા કંપનીઓ શ્રેષ્ઠ મેનેજમેન્ટ પ્રેક્ટિસનું પાલન કરે છે.
સરન્ડર વેલ્યુમાં થશે વધારો
ઈરડાના નવા નિયમોમાં એક મોટો ફેરફાર પોલિસી સરન્ડર પરના ચાર્જને લગતો છે. જો કોઈ વીમા ધારક તેની વીમા પોલિસી પાકતી તારીખ પહેલાં બંધ કરે છે, તો વીમા કંપનીઓ તેના માટે કેટલાક ચાર્જ વસૂલે છે, જેને પોલિસી સરન્ડર ચાર્જ કહેવાય છે. ઈરડા અનુસાર, હવે જો કોઈ વીમાધારક ચોથાથી સાતમા વર્ષમાં પોલિસી સરન્ડર કરે છે, તો સરન્ડર વેલ્યુમાં થોડો વધારો થઈ શકે છે.