હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ધારકો માટે મોટા સમાચાર, સેટલમેન્ટના નિયમ બદલાયા, હવે લાગશે ફક્ત આટલો સમય
Health Insurance: ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI) એ હેલ્થ ઈન્સ્યોરન્સ લેનારા પોલિસીધારકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે.
IRDAIએ બુધવારે હેલ્થ ઈન્સ્યોરન્સ પર એક પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે વીમા કંપનીએ પોલિસીધારક પાસેથી દાવાની માંગ કર્યાના એક કલાકની અંદર કેશલેસ સારવારની મંજૂરી આપવા અંગે નિર્ણય લેવાનો રહેશે.
વીમા કંપનીઓએ ડિસ્ચાર્જ મળ્યાના ત્રણ કલાકની અંદર ક્લેમ સેટલમેન્ટ કરવાનો રહેશે. જો ક્લેમ ત્રણ કલાકની અંદર સેટલ કરવામાં ન આવે તો, વીમા કંપની તેના માટે લાગતા હોસ્પિટલ ચાર્જની ભરપાઈ કરશે.
IRDAIએ શું કહ્યું?
IRDAI એ હેલ્થ ઈન્સ્યોરન્સ પર 55 પરિપત્રો રદ કરીને એક માસ્ટર સર્ક્યુલર બહાર પાડ્યું છે. આ પરિપત્ર અનુસાર, પોલિસીધારકને વિનંતીના 3 કલાકની અંદર ક્લેમ સેટલમેન્ટની સુવિધા મળશે. IRDAIએ જણાવ્યું છે કે હોસ્પિટલ તરફથી ડિસ્ચાર્જ મળ્યાના ત્રણ કલાકની અંદર વીમા કંપનીએ ક્લેમ સેટલ કરવાનો રહેશે.
હોસ્પિટલ ડિસ્ચાર્જની રાહ જોવી નહીં
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં દર્દીને હોસ્પિટલમાંથી રજા મળે તેની રાહ જોવી જોઈએ નહીં. જો પોલિસીધારક દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં ત્રણ કલાકથી વધુનો વિલંબ થાય, તો હોસ્પિટલ દ્વારા વસૂલવામાં આવતી વધારાની રકમ (જો કોઈ હોય તો) વીમા કંપનીના શેરધારકોના ભંડોળમાંથી આપવામાં આવશે.
પોલિસીધારકનું સારવાર દરમિયાન મૃત્યુ થાય તો..
જો સારવાર દરમિયાન પોલિસીધારકનું મૃત્યુ થાય છે તો તેના પર વીમા કંપનીએ ક્લેમ સેટલમેન્ટની કાર્યવાહી તાત્કાલિક શરુ કરવાની રહેશે. આ ઉપરાંત મૃતકના પાર્થિવ શરીરને પણ ઝડપથી હોસ્પિટલમાંથી બહાર કાઢવાનો રહેશે.
આ નિયમો ક્યારે અમલમાં આવશે
IRDAIએ વીમા કંપનીઓને આ નિયમોને 31 જુલાઈ સુધીમાં લાગુ કરવા જણાવ્યું છે. હોસ્પિટલો કેશલેસ ક્લેમમાં માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા પણ કરી શકે છે.