ગેરમાર્ગે દોરતા ઈન્સ્યોરન્સના વેચાણ મામલે બેંકોને ચેતવણી આપતું ઈરડા
- ભૂતકાળમાં બેંકોએ ગ્રાહકોને પણ તેમની બચત વીમા કંપનીઓના પ્લાનમાં રોકવા જણાવ્યાના અનેક કિસ્સા બનેલા
મુંબઈ : વીમા નિયમનકાર ઈરડાના ચીફ દ્વારા વીમા પ્રોડક્ટસના મિસ-સેલિંગ સામે બેંકોને ચેતવણી આપવામાં આવી છે. બેંકાશ્યોરન્સ સિસ્ટમમાં ઘણી બધી બિમારીઓ આવી ગયાનું તેમણે કહ્યું હતું. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડા)ના ચીફ દેબાશિષ પાંડાએ જણાવ્યું હતું કે, બેંકો પેઢીઓથી ગ્રાહકો સાથે સંબંધો ધરાવે છે, જેના કારણે એક વિશ્વાસ છે કે શાખા તેમને યોગ્ય કિંમતે યોગ્ય પોલીસી-પ્રોડક્ટસ વેચશે.
તેમણે કહ્યું હતું કે, આપણે બધાએ સાથે બેસીને આ બાબતને આગળ ધપાવવાની જરૃર છે. જેથી આપણે આત્મવિશ્વાસને પુનઃસ્થાપિત કરી શકીએ અને આ એક ઓછા ખર્ચે વિતરણ મોડેલ બની જાય. તમારે ગ્રાહકોની પાછળ દોડવાની જરૃર નથી, તમારે તેમને એક વિકલ્પ આપવો પડશે. તેમનું માનવું છે કે, સિસ્ટમમાં યોગ્યતા છે, પરંતું આપણે તે સાવચેતીથી કરવું પડશે. જેથી તમે તમારી પ્રવૃતિને ભૂલી ન જાઓ અને ફક્ત વીમો વેચવાનું શરૃ કરો.
ઈરડા ચીફની આ ટિપ્પણીઓ નાણા પ્રધાન નિર્મલા સીતારામનની મિસ સેલિંગ સામેની સાવચેતી અને બેંકોએ તેમની પ્રાથમિક પ્રવૃતિને વળગી રહેવું જોઈએ એવું જણાવ્યા બાદ કરવામાં આવી છે.
ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે કે, બેંકોએ સિનિયર સિનિઝન ગ્રાહકોને પણ તેમની બચત વીમા કંપનીઓની યોજના-પ્લાનમાં રોકવા જણાવ્યું હતું. સીતારામનની ટિપ્પાણી પછી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓના શેરોના ભાવોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. કેમ કે ખાનગી જીવન વીમા કંપનીઓ માટે બેંકો સૌથી મોટા ડિસ્ટ્રીબ્યુટર છે અને કોઈપણ અંકુશોના કારણે વેચાણમાં ઘટાડો થઈ શકે છે.
ગત વર્ષે ઈરડાએ પ્રોડક્ટ નિયમનોમાં કરેલા સુધારામાં વીમા કંપનીઓ પર એ સુનિશ્ચિત કરવાની જવાબદારી મૂકી હતી કે, કંપનીઓ સંભવિત/પોલીસીધારકોને પોલિસીની યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે વાજબી કાળજી લે. જેના કારણે વીમા કંપનીની જવાબદારી એ સુનિશ્ચિત કરવાની કે પોલિસી ગ્રાહકની જરૃરીયાતનો અનુકૂળ છે કે નહીં અને એ પણ સુનિશ્ચિત કરવા માટે કે તેમની પાસે રિન્યુઅલ પ્રીમિયમ ભરવાની સક્ષમતા છે કે નહીં.