ઈરાન-ઈઝરાયલ સંઘર્ષના કારણે કેમ વધ્યું ભારતનું ટેન્શન? મિડલ ક્લાસના ખિસ્સાં પર પડશે સીધી અસર
Iran-Israel war: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ બંને દેશો પર સમગ્ર વિશ્વની નજર છે. વિશ્વ એક મહાયુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેનાથી ભારત સહિત અન્ય દેશોનું પણ ટેન્શન વધી ગયું છે. ભારત માટે ચિંતાનું કારણ એ છે કે, આ સંઘર્ષ દરમિયાન ઈરાન જો હોર્મુઝ ચેનલ એટલે કે હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરશે તો ભારત માટે કાચા તેલની આયાત કરવી મુશ્કેલ થઈ જશે.
કાચા તેલ અને એલએનજીના ભાવમાં વધારો થઈ શકે છે
ઈરાન-ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષ પર નિષ્ણાતોનું કહેવું છે કે, જો ઈરાન હોર્મુઝ ચેનલ બંધ કરશે તો કાચા તેલ અને એલએનજી એટલે કે, લિક્વિફાઈડ નેચરલ ગેસના ભાવ વધી શકે છે. હોર્મુઝ ચેનલ દ્વારા ભારત સહિત અન્ય દેશો સાઉદી અરેબિયા, ઈરાક અને યુએઈમાંથી કાચા તેલની આયાત કરે છે. નોંધનીય છે કે, ઈઝરાયલની સેનાએ સીરિયામાં ઈરાના દૂતાવાસ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને ઈઝરાયલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઈલો છોડીને જવાબી કાર્યવાહી કરી હતી. જો કે, અમેરિકા, બ્રિટન અને ઈઝરાયલની સુરક્ષા કવચ આયર્ન ડોમની મદદથી 99 ટકા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.
કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ બાદ કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 90 યુએસ ડોલર આસપાસ પહોંચી ગયા હતા. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસ અનુસાર, જો આ સંઘર્ષ ઓછો થશે તો કાચા તેલના ભાવ નિયંત્રણમાં આવવાની શક્યતા છે, જો ઈરાન હોર્મુઝ ચેનલને બંધ કરી દેશે, તો કાચા તેલ અને એલએનજીના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે અને તેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે.
હોર્મુઝ ચેનલ શું છે?
હોર્મુઝ ચેનલ ઓમાન અને ઈરાન વચ્ચે લગભગ 40 કિલોમીટર પહોળી દરિયાઈ પટ્ટી છે. આ માર્ગ દ્વારા સાઉદી અરેબિયા પ્રતિ દિવસ 63 લાખ બેરલ, જ્યારે યુએઈ, કુવૈત, કતાર, ઈરાક પ્રતિ દિવસ 33 લાખ બેરલ અને ઈરાન પ્રતિ દિવસ 13 લાખ બેરલ કાચા તેલની નિકાસ કરે છે. વૈશ્વિક એલએનજી વેપારનો લગભગ 20 ટકા જથ્થો હોર્મુઝ ચેનલ માર્ગે પસાર થાય છે. એલએનજી માટે કોઈ વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ નથી. ભારત આ માર્ગ દ્વારા સાઉદી અરેબિયા, ઈરાક અને યુએઈમાંથી કાચા તેલ તેમજ એલએનજીની આયાત કરે છે.