Get The App

ઇરાન ભારતને ક્રૂડ ઓઇલનું વેચાણ ફરી શરૂ કરવા ઉત્સુક

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
ઇરાન ભારતને ક્રૂડ ઓઇલનું વેચાણ ફરી શરૂ કરવા ઉત્સુક 1 - image


- ઇરાનના અધિકારીનું નિવેદન ચર્ચામાં

- અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા પછી ભારતે 2019ના મધ્યમાં ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી હતી

નવી દિલ્હી : ઇરાન ભારતને ક્રૂડ ઓઇલનો પુરવઠો ફરી શરૂ કરવાના પ્રકારો પર વિચાર કરી રહ્યું છે. તે ચાબહાર પોર્ટ દ્વારા પેટ્રો રસાયણ સહિત સમગ્ર બિઝનેસનો વિસ્તાર કરવા ઇચ્છુક છે તેમ ઇરાનના એક વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

ઇરાનના અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રમાં ઇરાન પ્રત્યે વ્યવહાર પહેલા કાર્યકાળ જેવો રહેવાની સંભાવના નથી કારણકે ચીનની વ્યૂહાત્મક શકિત વધવાની સાથે ભૌગોલિક રાજકારણમા કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો થયા છે. અમેરિકાના પ્રમુખ તરીકેના પોતાના પ્રથમ કાર્યકાળમાં ટ્રમ્પે ઇરાન પર અનેક પ્રતિબંધો મૂક્યા હતાં. ઇરાનના અર્થતંત્ર પર અંકુશ વધારવાની સાથે ૨૦૧૫ની પરમાણુ સમજૂતીથી અમેરિકાએ પોતાને અલગ કરી લીધો હતો. ઇરાનના ક્રૂડ ઓઇલનો પુરવઠો ભારતમાં ફરી શરૂ કરવાને સમર્થન આપતા આ અધિકારીએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ એક માર્ગ શોધવાની જરૂર છે. 

અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા પછી ભારતે ૨૦૧૯ના મધ્યમાં ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી દીધી હતી. પોતાનું નામ ન આપવાની શરતે ઇરાનના અધિકારીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ધ્યાન આપવું જરૂરી છે. 

તેમણે પશ્ચિમી પ્રતિબંધ છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખવા અંગે જણાવ્યું હતું કે રશિયા અને ઇરાનની વિરુદ્ધ પ્રતિબંધની પરિસ્થિતિઓ અલગ અલગ છે. આપણે જોવું પડશે કે આ મુદ્દાનો ઉકેલ કેવી રીતે મેળવવો. અમે ભારત માટે કોઇ મુશ્કેલી ઇચ્છતા નથી.


Google NewsGoogle News