ઈરાનના ઈઝરાયલ પર હુમલા વચ્ચે સૌથી વધુ ટેન્શનમાં શેરબજારના રોકાણકારો, જાણો આવતી કાલે શું થશે?
Stock Market Outlook: ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક દિવસથી પોતાની સર્વોચ્ચ ટોચે ટ્રેડ થઈ રહ્યા છે. પરંતુ છેલ્લા બે દિવસમાં નોંધાયેલ કડાકાએ મોટા કરેક્શનની સંભાવના વધારી હતી. તેમાં પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની વણસી રહેલી સ્થિતિના કારણે મોટા કડાકાની દહેશત રોકાણકારોમાં જોવા મળી છે.
સુરક્ષિત રોકાણ માધ્યમો તરફ ડાયવર્ઝન
જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના પગલે વિદેશી રોકાણકારો મોટાપાયે પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે. જેની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી છે. જો બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી તો રોકાણકાર શેરબજારમાંથી સુરક્ષિત રોકાણ માધ્યમો તરફ ડાયવર્ટ થઈ શકે છે. જેનાથી પ્રોફિટ બુકિંગ પણ વધશે.
આ પણ વાંચોઃ ઈરાન દ્વારા ઈઝરાયલ પર હુમલા કરાતાં નવું ટેન્શન ઊભું થયું, ક્રૂડ ઓઈલના ભાવમાં 'ભડકો'
યુદ્ધની સ્થિતિમાં ગ્લોબલ માર્કેટ તૂટ્યા
યુદ્ધની સ્થિતિ વચ્ચે વિશ્વભરના ઈક્વિટી માર્કેટ તૂટ્યા છે. અમેરિકાનો નાસડેક 1.53 ટકા તૂટ્યો છે. ડાઉ 0.41 ટકા, એસએન્ડપી 500 1.4 ટકા તૂટ્યો છે. એપલ એનવીડિયા અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓના શેરમાં મોટો કડાકો નોંધાયો છે. વોલેટિલિટી ઈન્ડેક્સ હાઈ લેવલે પહોંચ્યો છે. જાપાનનો નિક્કેઈ 2 ટકાથી વધુ તૂટ્યો છે.
નિષ્ણાતોના મતે શેરબજારની સ્થિતિ
રિથોલ્ટ્સ વેલ્થ મેનેજમેન્ટના ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ કેલી કોક્સે જણાવ્યું હતું કે, મધ્ય-પૂર્વમાં તણાવના કારણે માર્કેટમાં વોલેટિલિટી વધી છે. ક્રૂડના ભાવો વધ્યા છે, બોન્ડ, સોનાની કિંમોતો વધી છે. હેજિંગની સંભાવના વધતા શેરબજાર તૂટ્યા છે. થેમિસ ટ્રેડિંગમાં ઈક્વિટી ટ્રેડિંગના કો-હેડ જોસેફ સાલુજીએ જણાવ્યું કે, જિઓ-પોલિટિકલ ટેન્શનના કારણે ક્રૂડ મોંઘુ થયુ છે. જેથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધશે, અને જેને કાબુમાં લેવા વ્યાજના દરો ફરી પાછા વધવાની ભીતિ સાથે શેરબજારમાં કડાકો જોવા મળી શકે છે.
આવતીકાલે માર્કેટની શું સ્થિતિ રહેશે?
જો યુદ્ધની સ્થિતિ યથાવત રહી તો ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાઈ શકે છે. વૈશ્વિક બજારોમાં જોખમ વધશે. વિદેશી રોકાણકારોની વેચવાલીમાં પણ વધારો થશે. સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચવાની શક્યતા વધી છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.