રોકાણકારોની સંપત્તિ રૂ. 5.50 લાખ કરોડ ધોવાઈને રૂ. 460.18 લાખ કરોડ
- ડાઉજોન્સ ઇન્ડેક્સમાં 355 પોઇન્ટનું ગાબડું
- કામકાજના અંતે સેન્સેક્સ 1017 પોઇન્ટ તૂટીને 81183 જ્યારે નિફ્ટી 293 પોઇન્ટ તૂટીને 24,852
અમદાવાદ : વૈશ્વિક પ્રતિકૂળ અહેવાલો તેમજ વિદેશી રોકાણકારોની ચાલુ રહેલી વેચવાલી પાછળ આજે પસંદગીના હેવીવેઇટ શેરોમાં મોટા પાયે વેચવાલીનું દબાણ આવતા સેન્સેક્સમાં ૧૦૧૭ અને નિફ્ટીમાં ૨૯૩ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સના કડાકા પાછળ રોકાણકારોની સંપત્તિ રૂ. ૫.૫૦ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
આજે કામકાજના પ્રારંભથી જ ફ્રન્ટલાઇન તેમજ હેવીવેઇટ શેરોમાં મોટા પાયે વેચવાલીનું દબાણ આવતા સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૧૨૧૯ પોઇન્ટ તૂટયો હતો જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડે ૩૪૩ પોઇન્ટ તૂટયો હતો.
એકધારા વેચવાલીના દબાણ પાછળ કામકાજના અંતે સેન્સેક્સ ૧૦૧૭ પોઇન્ટ તૂટીને ૮૧૧૮૩.૯૩ની સપાટીએ નરમ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૯૨.૯૫ પોઇન્ટ તૂટીને ૨૪,૮૫૨.૧૫ની સપાટીએ ઉતરી આવ્યો હતો.
સેન્સેક્સના કડાકા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૫૦ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂ. ૪૬૦.૧૮ લાખ કરોડ રહ્યું હતું. આજે વિદેશી રોકાણકારોએ રૂ. ૬૨૧ કરોડની વેચવાલી હાથ ધરી હતી.
દરમિયાન અમેરિકાના જોબ ગ્રોથ ડેટા ઘટીને અપેક્ષાથી નીચા જાહેર થયાના અહેવાલો પાછળ અર્થતંત્રની વૃદ્ધિની ચિંતા પ્રબળ બનતા આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં અમેરિકન શેરબજારનો ડાઉજોન્સ ઇન્ડેક્સ ૩૫૫ પોઇન્ટ તૂટીને ૪૦,૪૦૦ ઉતરી આવ્યો હતો. જ્યારે નાસ્ડેક ઇન્ડેક્સ ૪૧૬ પોઇન્ટ તૂટીને ૧૬૭૧૧ ઉતરી આવ્યો હતો.