પાંચ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપતિમાં રૂ. 18 લાખ કરોડનું ધોવાણ
- નાતાલ પૂર્વે વિવિધ એસેટસમાં નરમાઈ
- સેન્સેક્સ પાંચ દિવસમાં 4091 પોઈન્ટ તૂટયો વિદેશી રોકાણકારોની રૂ. 15829 કરોડની વેચવાલી
અમદાવાદ : અમેરિકામાં નવા વર્ષમાં વ્યાજ દર કાપ ધીમો પડવાના સંકેત, વિદેશી ફંડ મેનેજરોની નાતાલ પૂર્વે સતત વેચવાલી સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળો પાછળ શેરબજારમાં ચાલુ સપ્તાહના પાંચ ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સમાં ૪૦૯૧ પોઈન્ટનો કડાકો બોલી જતાં રોકાણકારોની સંપત્તિમાં પણ આ સમય દરમિયાન રૂ. ૧૮ લાખ કરોડનું જંગી ધોવાણ થયું છે.
ફંડ મેનેજરો ક્રિસમસ વેકેશન પર જતા પૂર્વે હાથ ધરાયેલી જંગી વેચવાલી, ભૂ-રાજકીય પ્રતિકૂળતા, ડોલરના વધતા વર્ચસ્વ સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળો પાછળ વૈશ્વિક સ્તરે દરેક એસેટસમાં કડાકો બોલી જતાં ભારતીય બજાર પર પણ તેની અસર જોવા મળી હતી. આજે પણ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી વેચવાલી પાછળ સેન્સેક્સમાં ૧૧૭૬ અને નિફટીમાં ૩૬૪ પોઈન્ટનું ગાબડું નોધાયું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટકેપ) રૂ. ૮.૭૭ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. ૪૪૦.૯૯ લાખ કરોડ ઉતરી આવ્યું હતું. વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ છેલ્લાં પાંચ ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સમાં ૪૦૯૧ અને નિફ્ટીમાં ૧૧૮૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. આ પાંચ સત્રમાં રોકાણકારોની સંપતિમાંથી રૂ. ૧૮ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું. જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ. ૧૫૮૨૯ કરોડની વેચવાલી હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનીક સંસ્થાઓએ રૂ. ૧૨૩૪૧ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.