Get The App

રોકાણકારોની સંપત્તિ રૂ. 7.10 લાખ કરોડ વધીને 456.93 લાખ કરોડને પાર

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
રોકાણકારોની સંપત્તિ રૂ. 7.10 લાખ કરોડ વધીને 456.93 લાખ કરોડને પાર 1 - image


- નિફ્ટી 24861ની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ

- સેન્સેક્સ 1292 પોઇન્ટ ઉછળીને 81332 જ્યારે નિફ્ટી 428 પોઇન્ટ ઉછળી 24834ની ટોચે

અમદાવાદ : બજેટમાં વેરામાં વધારાની દરખાસ્તોથી ઉદ્ભવેલ ગભરાટનો માહોલ દેશભરમાં સારા ચોમાસાએ શમી જવા પામ્યો હતો. સમગ્ર દેશમાં ચોમાસાની નોંઘપાત્ર પ્રગતિએ આગામી સમયમાં કૃષિ- ગ્રામીણ ક્ષેત્રે વૃદ્ધિ થવાની સાથોસાથ બજેટની કેટલીક ચોક્કસ દરખાસ્તોથી અર્થતંત્રને વેગ સાંપડવાના અહેવાલો પાછળ આજે મુંબઈ શેરબજાર ખાતે વિદેશી રોકાણકારો તેમજ સ્થાનિક સંસ્થાઓની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સમાં ૧૨૯૨ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૪૨૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીએ આજે ૨૪૮૬૧ની નવી લાઇફ ટાઇમ હાઇ સપાટી હાંસલ કરી હતી. સેન્સેક્સના ઉછાળા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૧૦ લાખ કરોડનો વધારો થવા પામ્યો હતો.

બજેટમાં લોંગટર્મ અને શોર્ટટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરાયાના અહેવાલો પાછળ બજેટના દિવસથી જ શેરબજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. આ અહેવાલોની બીજી તરફ દેશભરમાં ચોમાસાની નોંધપાત્ર પ્રગતિ થવા સાથે આગામી સમયમાં કૃષિ તેમજ ગ્રામ્ય અર્થતંત્રની વૃદ્ધિની સાથે દેશનું અર્થતંત્ર પણ સુધારા તરફી રહેવાના અહેવાલોની સાનુકૂળ અસર જોવા મળી હતી.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો તેમજ સ્થાનિક સંસ્થાઓની સાથે ઓપરેટરો તેમજ ખેલાડીઓ દ્વારા નીચા મથાળે હાથ ધરાયેલ નવી ઝડપી લેવાલી પાછળ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આજે ઇન્ટ્રા-ડે ૪૫૫ પોઇન્ટ ઉછળી ૨૪૮૬૧ની નવી લાઇફ ટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયા બાદ કામકાજના અંતે ૪૨૮.૭૫ પોઇન્ટ વધીને ૨૪૮૩૪.૮૫ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો.

બીજી તરફ સેન્સેક્સ પણ નવી લેવાલીએ ઇન્ટ્રા-ડે ૧૩૮૭ પોઇન્ટ ઉછળી ૮૦૪૨૭ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૧૨૯૨.૯૨ પોઇન્ટ ૮૧૩૩૨.૭૨ની સપાટીએ મજબૂત રહ્યો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૧૦ લાખ કરોડનો વધારો થતા રૂ. ૪૫૬.૯૩ લાખ કરોડની નવી ટોચે પહોંચી હતી.

વિદેશી રોકાણકારો દ્વારા આજે ૨૫૪૬ કરોડની અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા રૂ. ૨૭૭૪ કરોડની નવી લેવાલી હાથ ધરાઈ હતી.


Google NewsGoogle News